નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે 13 જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં દીપિકા પાંડે સિંહને મહાગામા અને અંબા પ્રસાદ સાહુને બરકાગાંવથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ડો.ઇરફાન અંસારી, બાદલ પત્રલેખ, પ્રદીપ યાદવ, દીપિકા પાંડે સિંહ, અંબા પ્રસાદ સાહુ, મમતા દેવી, જય પ્રકાશ પટેલ, મુન્ના સિંહ, કુમાર જય મંગલ, પૂર્ણિમા નિરજ સિંહ, જલેશ્વર મહતો, ડૉ. અજોય કુમાર, બન્ના ગુપ્તા, સોના રામ સિંકુ, રાજેશ કશ્યપ,અજયનાથ સહદેવ, શિલ્પી નેહા તિર્કી, ભૂષણ બારા, નમન વિક્લસ કોંગારી, રામેશ્વર ઓરાં અને રામચંદ્ર સિંહના નામ જાહેર કર્યાં છે. શાસક ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે વિભાજનને લઈને ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે, કોંગ્રેસે કહ્યું હતું કે કેટલી બેઠકો પર કોણ ચૂંટણી લડશે તે અંગે સંપૂર્ણ ચિત્ર ટુંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
નોંધનીય છે કે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) હાલમાં 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં 27 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 24 ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે. આ સિવાય 18 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. 81 ધારાસભ્યો સાથે વિધાનસભામાં ચાર બેઠકો ખાલી છે.
(PHOTO-FILE)