દિલ્હી : મોદી સરનેમ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુરત કોર્ટ દ્વારા અગાઉ જ દોષિત ઠેરવાયેલા રાહુલ ગાંધીને હવે રાંચીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થવું પડશે.
રાંચીના પ્રદીપ મોદીએ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીના વાંધાજનક નિવેદનોએ તમામ મોદી અટક ધરાવતા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ અરજીમાં રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે તેમના અસીલને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીએ હવે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવું પડશે.
મોદી સરનેમ કેસના ચાર વર્ષ જૂના બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ સચિવાલય દ્વારા તેમની સંસદ સભ્યપદ પણ રદ્દ કરવામાં આવી હતી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ સ્પીકર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં ભાષણ આપી રહ્યા હતા. અહીં તેમણે મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.
આ ટિપ્પણીને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી. બે વર્ષની સજાને કારણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ ખતમ થઈ ગઈ. કાયદા મુજબ, જો કોઈ સાંસદને બે વર્ષની સજા થાય છે, તો તેનું સભ્યપદ તરત જ સમાપ્ત થઈ જાય છે.