ઝારખંડ: મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના સંબંધીઓના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી
• ઈડી દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી
• આજે સવારથી ઈડીએ શરુ કરી દરોડાની કાર્યવાહી
રાંચીઃ EDની ટીમે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુ, સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવ અને તેના ઘણા નજીકના સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા છે. EDની ટીમ બુધવારે સવારે બે વાહનોમાં અભિષેક પ્રસાદના ઘરે પહોંચી હતી અને શિવપુરી, રતુ રોડ સ્થિત અભિષેક પ્રસાદના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. મની લોન્ડરિંગ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈડીના દરોડાના પગલે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમ મુખ્યમંત્રીના મિત્ર કહેવાતા વિનોદ સિંહના નિવાસસ્થાન અને પિસ્કા મોડ, રતુ રોડ સ્થિત આર્ટીટેક રોશનના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સિવાય EDની ટીમ અન્ય ઘણી જગ્યાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ગેરકાયદે માઇનિંગ દ્વારા મની લોન્ડરિંગના સંબંધમાં રાંચી અને રાજસ્થાનમાં 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે EDના દરોડા અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુ (મીડિયા એડવાઈઝર, સીએમ હેમંત સોરેન), IAS રામનિવાસ યાદવ (ડેપ્યુટી કમિશનર, સાહેબગંજ અને રાજસ્થાન નિવાસ), આર્કિટેક્ટ વિનોદ કુમાર, ખોડનિયા બ્રધર્સ (સાહેબગંજ), પપ્પુ યાદવ (દેવઘર), ડીએસપી રાજેન્દ્ર દુબે (હજારીબાગ અને અન્ય સ્થળો), અભય સરોગી (કોલકાતા) અને અવધેશ કુમારના ત્યાં ચાલી રહ્યાં છે.