ઝારખંડઃ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં મ્યુઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
દિલ્હીઃ આદિવાસી સ્વાંતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે ઝારખંડના રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને ઓળખ આપવામાં આવશે. 15મી નવેમ્બરના રોજ હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદીના આ અમૃતમાં દેશે નક્કી કર્યું છે કે દેશ ભારતની આદિવાસી પરંપરાઓ તેની વીરતાની ગાથાઓને વધુ ભવ્ય ઓળખ આપશે. દર વર્ષે દેશ 15 નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવશે. ઝારખંડ રાજ્ય પણ અટલજીની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું.
તેમણે વધારેમાં જણાવ્યું હતું કે, ભારતની ઓળખ અને ભારતની આઝાદી માટે લડતા ભગવાન બિરસા મુંડાએ તેમના અંતિમ દિવસો રાંચીની આ જેલમાં વિતાવ્યા હતા. હું ભગવાન બિરસા મુંડા મેમોરિયલ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ માટે સમગ્ર દેશના આદિવાસી સમાજને ભારતના દરેક નાગરિકને અભિનંદન આપું છું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને નાયિકાઓનું યોગદાન આ સંગ્રહાલય વિવિધતાથી ભરેલી આપણી આદિવાસી સંસ્કૃતિની જીવંત સ્થાપના બનશે.
ભગવાન બિરસા મુન્ડાના વિઝન વિશે વાતચીત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન બિરસા જાણતા હતા કે આધુનિકતાના નામે વિવિધતા, પ્રાચીન ઓળખ અને પ્રકૃતિ સાથે મિલન એ સમાજના કલ્યાણનો માર્ગ નથી. આ સાથે સાથે તેઓ આધુનિક શિક્ષણના સમર્થક હતા અને તેમનામાં તેમના પોતાના સમાજની ખરાબીઓ અને અક્ષતાઓ વિશે બોલવાની હિંમત પણ હતી. સ્વતંત્રતા સંગ્રામનો ઉદ્દેશ્ય ભારતની સત્તાને સ્થાનાંતરિત કરવાનો છે, ભારત માટે નિર્ણય લેવાની શક્તિ ભારતીયોના હાથમાં છે. પણ તેની સાથે સાથે ‘ધરતી આબા’ માટેની લડત એ વિચારના વિરોધ માટેની લડત છે જે ભારતના આદિવાસી સમૂદાયની ઓળખને ભૂંસી નાખવા માગે છે. “ભગવાન બિરસા મુન્ડા સમાજ માટે જીવ્યા, તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે જીવનનું બલિદાન આપ્યું. તેથી જ તેઓ આજે પણ આપણા વિશ્વાસ અને આપણી લાગણીઓમાં ભગવાન તરીકે બિરાજે છે. ”