Site icon Revoi.in

ઝીંઝુવાડા ગામે તાવના ઘેર-ઘેર ખાટલાં, માત્ર ચિકનગુનિયાના જ 200થી વધુ કેસ નોંધાયા,

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ રોગચાળામાં સપડાયું છે. તાવના ઘેર-ઘેર ખાટલાં જોવા મળી રહ્યા છે. દવાખાનામાં દર્દીઓની લાઈનો જાવા મળી રહી છે. ચિકનગુનિયાના જ 200થી વધુ કેસ આરોગ્ય વિભાગના દફતરે નોંધાઈ ચુક્યા છે. જો કે રાગચાળા સામે આરોગ્ય વિભાગે હજુ કોઈ પગલાં લીધા નથી. ત્યારે ઝીંઝુવાડા ગામમાં સર્વે અને દવા છંટકાવ તથા ફોગીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

પાટડીના રણકાંઠા વિસ્તારમાં આવેલું ઝીંઝુવાડા ગામ રોગચાળાના અજગરી ભરડામા સપડાયું છે. તાવના ઘેર ઘેર ખાટલાં જોવા મળી રહ્યા છે. જેમાં ચિકનગુનિયાના 200થી વધુ કેસો નોંધાયા છે. એમાંય ગામમાં પારાવાર ગંદકીથી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો વકરી રહ્યો છે. ગામમાં ડેન્ગ્યુ બાદ ચિકનગુનિયાના રોગચાળાએ માઝા મૂકતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા ઝીંઝુવાડા ગામમાં સર્વે અને દવા છંટકાવ તથા ફોગીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા પછાત રણકાંઠા વિસ્તારને તાવ, મેલેરીયા અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. એમાય પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે ઠેર ઠેર પારાવાર ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા હાલમાં ઝીંઝુવાડામાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. હાલમાં ઝીંઝુવાડામાં તાવ, વાયરલ ઇન્ફેકશન સહિત શંકાસ્પદ ચિકનગુનિયાના રોગે માથુ ઉચક્યું છે. જેમાં વાઇરલ ચિકનગુનિયાના 200થી વધુ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. તાવની સાથે હાથ પગના સાંધા જકડાઈ જવાના કેસો ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાવ અને વાયરલ ચિકનગુનિયા સહિતના દર્દીઓથી ઉભરાયેલુ નજરે પડી રહ્યુ છે.

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે પાંચ વર્ષ પહેલા લાખોના ખર્ચે બનાવાયેલું દવાખાનું હાલમાં ખુદ સારવાર ઝંખી રહ્યુ  છે. જે રૂમમાં દર્દીઓને ખાટલા હોય છે, તે રૂમની સ્થિતિ જોઈએ તો આ દવાખાનામા તિરાડો પડી ગઈ છે અને ટાઇલ્સો તૂટી ગઈ છે.આથી આ બાબતે ભ્રષ્ટાચારની તપાસ સાથે આ બિસ્માર હોસ્પિટલનું તાકીદે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે એવી પણ વ્યાપક માંગ ઉઠવા પામી છે.