મુંબઈઃ બોલીવુડની ફિલ્મ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જિયા ખાનને આત્મહત્યા માટે મજબુર કરવા સબબ સૂરજ પંચોલી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈ અદાલતે સુનાવણીના અંતે પુરાવાના અભાવે સૂરજ પંચોલીને નિર્દોશ જાહેર કર્યો હતો. દરમિયાન જિયા ખાનની માતાએ ખાસ સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ જિયા ખાનના મૃત્યુને લઈને પણ તેની માતાએ સવાલો ઉભા કર્યાં હતા.
કેસની હકિકત અનુસાર તા 3 જૂન 2013ના રોજ અભિનેત્રી જિયા ખાને આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. અભિનેત્રીની માતાએ બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી પણ નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના આદેશ બાદ જિયા ખાનની માતાએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે આજે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પૂરો થઈ ગયો છે, પરંતુ સવાલ એ છે કે મારી બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું? તેથી, મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેં શરૂઆતથી જ કહ્યું છે કે આ હત્યાનો કેસ છે. સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
જિયા ખાને અંતિમ પત્રમાં લખ્યું હતું કે, ‘મને ખબર નથી કે તમને આ કેવી રીતે કહેવું પરંતુ હું તેમ છતાં કહી શકું છું કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. મેં પહેલાથી જ બધું ગુમાવ્યું છે, જો તમે આ વાંચી રહ્યા હોવ તો હું કદાચ પહેલાથી જ જઈ રહી છું અથવા જવાની છું. તને કદાચ આ ખબર નહીં હોય પણ તેં મને એટલી હદે પ્રભાવિત કરી કે હું તારા પ્રેમમાં ખોવાઈ ગઈ છું. તેમ છતાં તમે મને દરરોજ ત્રાસ આપ્યો છો. આ દિવસોમાં હું કોઈ પ્રકાશ જોઈ શકતી નથી, હું જાગવા માંગતી નથી. એક સમય હતો જ્યારે હું તારી સાથે મારું જીવન અને ભવિષ્ય જોતી હતી, પણ તેં મારા સપનાને ખતમ કરી દીધા છે.