જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને મેરજાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો, અન્ય મંત્રીઓ સોમવારે ચાર્જ સંભાળશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના કેટલાક મંત્રીઓએ આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી થઈ ચૂકી છે. રાજ્ય સરકારના મંત્રીઓ વિધિવત ચાર્જ લઈ રહ્યાં છે. ગાંધીનગરમાં આજે તમામ મંત્રીઓએ અલગ-અલગ સમયે ચાર્જ લીધો હતો. ઘણા મંત્રીઓ સોમવારે બપોરે 12.39 કલાકે ચાર્જ સંભાળશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અને શ્રમ, રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ચાર્જ લીધો છે. તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીઠાઈ ખવડાવીને જીતુ વાઘાણીનું ચેમ્બરમાં સ્વાગત કર્યુ હતું.
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદગ્રહણ બાદ વિવિધ મંદિરોની મુલાકાત લઈ રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ ધાર્મિક છે અને આ અગાઉ પણ વિવિધ મંદિરોમાં પ્રાર્થના કરી ચૂક્યા છે. ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત કરી હતી. ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં શિશ ઝૂકાવ્યુ હતું. ચરણસ્પર્શ કરી સુશાસન માટે અભિલાષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદની તેમની આ પહેલી અક્ષરધામની મુલાકાત હતી. સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઇ રહ્યાં છે.
સરકારના નિયમ પ્રમાણે, પૂર્વ મુખ્યમંત્રીઓને ગાંધીનગરમાં કે ટાઇપના બંગલા મળતા હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવાયેલો છે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ સોમવારથી ફરી ધમધમતું થઈ જશે. તમામ નવ નિયુક્ત મંત્રીઓને ગાંધીનગરમાં રહીને પેન્ડિગ કામો પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. નવા મંત્રીઓને વહિવટની તાલીમ પણ આપવામાં આવશે.