શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસને કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની માહિતી મળી હતી. આ પછી પોલીસે તેને સરેન્ડર કરવા કહ્યું. આ પછી આતંકીઓએ ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે.આ અથડામણ અંગે એક અધિકારીએ જણાવ્યું કે એક માહિતીના પગલે, સુરક્ષા દળોએ સોમવારે સવારથી કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન સાંજના સમયે આતંકીઓએ ઘેરો તોડવાના પ્રયાસમાં સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો.
આ પહેલા 26 સપ્ટેમ્બરે ઘાટીના બડગામ જિલ્લાના બીરવાહમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન સોમવારે રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.સેનાએ કહ્યું કે, ’25-26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ બડગામના બીરવાહમાં સેના, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશનમાં 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 3 પિસ્તોલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા.
સૂત્રોનું માનીએ તો ડ્રોનમાં ત્રણ આતંકીઓ જોવા મળ્યા છે. સેનાના વિશેષ દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને જલ્દી ઠાર કરી શકાય. કાલાકોટના ખડગલાથી તત્તાપાની સુધીના રસ્તા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જંગલને અડીને આવેલા રહેણાંક વિસ્તારના લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.