જેએનયુના કોમ્પ્યુટર ઓપરેટરના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યાં 9 રેકોર્ડ
દિલ્હીઃ દુનિયામાં અનેક લોકોએ વિવિધ ક્ષેત્રમાં અનેક રોકોર્ડ નોંધાવ્યાં છે. દરમિયાન જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(JNU)ના કોમ્પ્યુટર ઓપરેટર વિનોદકુમાર ચૌધરીએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એક-બે નહીં પરંતુ નવ રેકોર્ડ નોંધાવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 41 વર્ષીય વિનોદ ચૌધરી જેએનયુની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ સાયન્સિસમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ચૌધરીએ વધુ એક વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. તેમનો છેલ્લો રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ 205 વખત ટેનિસ બોલને હાથથી સ્પર્શ કરવાનો છે. 2014માં ચૌધરીએ નાકથી સૌથી ઝડપથી ટાઇપિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ આંખો બંધ કરી ટાઇપ કરવા તથા મોમાં લાકડી મૂકી સૌથી ઝડપથી ટાઇપ કરવાનો વિક્રમ પણ તેમના નામે છે.
તેમણે જણાવ્યું હતું કે મને પહેલાથી જ ઝડપમાં રસ હતો. બાળપણમાં મને સ્પોર્ટસમાં ઘણો રસ હતો પણ સ્વાસ્થ્યની કેટલીક સમસ્યાઓને કારણે હું સ્પોર્ટ્સમાં આગળ વધી શક્યો ન હતો. ત્યાર પછી મે કોમ્પ્યુટરમાં સ્પીડ પર ધ્યાન આપવાનું શરૃ કર્યુ.2014માં મે મારી નાક વડે 46.30 સેકન્ડમાં 103 અક્ષર ટાઇપ કરીને નવો વિશ્વવિક્રમ રચ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ રેકોર્ડ માટે મને સર્ટીફિકેટ મળ્યા પછી મને વધુ રેકોર્ડ બનાવવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ મેં ઝડપ વધારવા વધુ પ્રેક્ટિસ કરી હતી. 2016માં મેં વધુ બે રેકોર્ડ બનાવ્યા હતાં. 2016માં આંખો બંધ કરીને તમામ આલ્ફાબેટ 6.71 સેકન્ડમાં ટાઇપ કરીને બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. પોતાનો આ જ રેકોર્ડ તોડીને 6.09 સેકન્ડનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.