દિલ્હી : કેન્દ્ર સરકાર તેના વિવિધ મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ‘મિશન મોડ’માં છે અને જોબ ફેરની આગામી આવૃત્તિ 16 મેના રોજ 22 રાજ્યોમાં યોજાશે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે રોજગાર અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા 70,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળા યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત 16 મેના રોજ 45 કેન્દ્રો પર આગામી અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ દિવસે જ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ 2014ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયામાં ઝડપ આવવાની શક્યતા છે કારણ કે 2019માં સત્તામાં આવેલી સરકાર તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં છે.
22 ઓક્ટોબર, 2022 ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 75,000 લોકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. 22 નવેમ્બર, 2022 ના રોજ બીજા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 71,000 નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરીએ ત્રીજી આવૃત્તિમાં અને 13 એપ્રિલના રોજ ચોથી આવૃત્તિમાં સમાન સંખ્યામાં નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગો હાલની ખાલી જગ્યાઓને ‘મિશન મોડ’માં ભરવાની દિશામાં કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે તમામ કેન્દ્રીય મંત્રીઓ દરેક મંત્રાલયમાં નિમણૂકો અને ખાલી જગ્યાઓ ભરવા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના કર્મચારી, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, પર્સનલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, લોકો પાઈલટ, ટેકનિશિયન, પોસ્ટલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક અને લાઈબ્રેરિયનનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ માહિતી આપી હતી કે ગૃહ મંત્રાલય વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરી રહ્યું છે. આ ભરતીઓ UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે.