GTUમાં જોબ પ્લેસમેન્ટ, ફાર્મસી, ઈજનેરીના 200 વિદ્યાર્થીઓને ત્રણથી નવ લાખના પેકેજ અપાયાં
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કંપનીઓને આમંત્રણ આપીને દર વર્ષે વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક રૂ.3 લાખથી 9 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરવામાં આવી હતી. વિવિધ સેક્ટરની જોબ ઓફર કરનારી કંપનીઓએ આ જોબ પ્લેસમેન્ટમાં ઉમેદવારોના એકેડમિક પર્ફોમન્સની તુલનાએ ઈમોશનલ ક્વોશન્ટ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, મેનેજમેન્ટ ક્વોશન્ટ સહિતના પાસાઓની ચકાસણીના આધારે જોબ ઓફર કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતની વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 વિદ્યાર્થીઓ માંથી એમફાર્મ થયેલા 57 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 2.8 લાખથી 3.5 લાખ સુધીનું પેકેજ, જ્યારે એમઈ થયેલા 71 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 2.8 લાખથી 9 લાખ સુધીનું જ્યારે એમબીએ થયેલા 72 ઉમેદવારોને વાર્ષિક નવ લાખ સુધીના જોબ પેકેજ ઓફર મળી હતી. જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આવેલી સ્કૂલ ફાર્મસીમાં અભ્યાસ કરતા આશરે 57 ઉમેદવારોને વાર્ષિક રૂ. 2.8 લાખથી 3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. અમદાવાદ,વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી ઝાયડસ, ટોરેન્ટ ફાર્મા, એમ્ની, ઈન્ટાસ ફાર્મા, કોરોના રેમેડીસ, બાયો મેટ્રિકસ, એક્યુપ્રેક, કાશ્મિક ફોરમ્યુલેશન, ઓબ્જિલા ફાર્મા સહિતની વિવિધ 11 જેટલી ફાર્મા કંપનીઓ તરફથી જોબ ઓફર થઈ છે. જ્યારે આ ઉમેદવારોને વાર્ષિક ત્રણ લાખ સુધીનું સરેરાશ જોબ પેકેજ ઓફર થયું છે. કંપનીઓ તરફથી એક્ઝિક્યુટિવ, પ્રોજેકટ આસિસ્ટન્ટ તેમજ જુનિયર સાયન્ટિસ્ટની પોસ્ટ માટેની જોબ ઓફર થઈ હતી.
જીટીયુ કેમ્પસમાં ભણાવવામાં આવતા પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી કોર્સ, પોસ્ટ ગ્રેજયુએેટ એન્જિનિયરિંગ તેમજ એમબીએ ઈન ઈન્ટરનેશનલ રિલેશન કોર્સમાં મે-જૂન-2022ના કોર્સના પાસ આઉટ વિદ્યાર્થીઓને માટે પ્લેસમેન્ટ યોજવામાં આવ્યું હતુ. જેમાં જે તે ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ઘરીને લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરીને તેમની અભિયોગ્યતા પ્રમાણે વાર્ષિક પગાર ઓફર કર્યો હતો. પ્લેસમેન્ટમાં રાજ્યની જાણીતી કંપનીઓની સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની કંપનીઓ જોડાઇ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કરી નોકરીમાં જોડાશે.
જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એમઈ 2022 બેચના પાસ આઉટ 75 માંથી 72 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઇ હતી. પ્લેસમેન્ટમાં માઈક્રોસોફ્ટ બેંગલુરુ, એસેન્ચર ઈન્ડિયા, કોપાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, હૈદરાબાદ, કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી, ઈન્ફોસિસ, આઈઆઈટી ગાંધીનગર, ટેક મહિન્દ્રા- મુંબઈ એસીએલ ડિજિટલ, ટીસીએસ,બ્લુનિફાય સોલ્યુશન્સ તરફથી વાર્ષિક 2.8 લાખથી 9 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. આ વિદ્યાર્થીઓને સરેરાશ વાર્ષિક 6 લાખનું સરેરાશ જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસમાંથી એમબીએ ઈન્ટરનેશનલ સ્ટડીસ થયેલા 72 વિદ્યાર્થીઓને વાર્ષિક 3 લાખથી 9 લાખ સુધીની જોબ ઓફર થઈ હતી.