નવી દિલ્હીઃ રાજસ્થાનના જોધપુરમાં ધ્વજા હટાવવા મુદ્દે થયેલી હિંસા બાદ તોડફોડ અને આગચંપનીના વધુ 3 બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ પોલીસ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત વધારે ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યરાત્રિના સમયે લઘુમતી કોમના શખ્સો ઈદના તહેવારને લઈને જાલોરી ગેટ પાસે ધાર્મિક ઝંડા લગાવી રહ્યાં હતા. લોકોએ અહીં સ્થાપિત સ્વતંત્રા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા ઉપર ઝંડા લગાવવાનો વિરોધ કરતા મામલો બિચક્યો હતો. હિન્દુ ધર્મના લોકોએ વિરોધ કરવાની સાથે લઘુમતીના કોમના લોકોએ પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવવામાં આવેલા ભગવા ઝંડા હટાવીને ઈસ્લામિક ઝંડા લગાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જેથી બંને કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયાં હતા. પોલીસે બળ પ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ અફવા ના ફેલાય તે માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, ઈદની નમાજ બાદ ફરીથી પરિસ્થિતિ વણસી હતી અને જાલોરી ગેટ નજીકના વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનોની તોડફોળ કરી હતી. જેથી પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે બળપ્રયોગ કર્યો હતો.
આ ઉપરાંત જાલોરી ગેટ નજીક આવેલા કબુતર ચોક પાસેથી તોફાનીઓએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરીને લૂંટફાંટ ચલાવી હતી. તેમજ બાળકીને માર માર્યો હતો. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય સૂર્યકાંત વ્યાસના ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોફાનીઓએ તોડફોડ કરીને આગ ચાંપી હતી. આ બનાવોને પગલે ગહેલોત સરકારે તાબડતોબ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. બીજી તરફ હિંસાના બનાવોને પગલે ગહેલોત સરકાર ઉપર અનેક સવાલો ઉભા થયાં છે.