નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે. બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ ગઈ છે.
બાઇડને ફરીથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પરત લેતા કહ્યું કે આ તેમની પાર્ટી અને રાષ્ટ્રના હિતમાં છે. બાઇડને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિવેદન આપીને આ જાણકારી આપી હતી. રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે, હવે તેમની સામે કમલા હેરિસ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. જૂનના અંતમાં રાષ્ટ્રપતિ બાઇડને પૂર્વ રાષ્ટ્રતિ અને રિપ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે કરેલી ચર્ચામાં તેમનું ખૂબ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જે બાદ તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી પરત લેવાનું તેમના પર દબાણ હતું. રવિવારે પોતાની ઉમેદવારી પરત લેવાની વાત કરવાની સાથે જો બાઇડને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન આપવાની વાત કહી છે.
સોશિયલ મીડિયા પર બાઇડને લખ્યું કે રાષ્ટ્રપતિ પદની જવાબદારી નિભાવવી તેમના માટે જીવનનું સૌથી મોટું સન્માન છે. પોતાના નિર્ણય બાદ રાષ્ટ્રપતિ બાઇડને પોતાનાં સહયોગી કમલા હેરિસને અભિનંદન આપતા કહ્યું કે તેઓ એક ‘અસાધારણ પાર્ટનર’ છે. ગયા અઠવાડિયે જ બાઇડન કોરોના સંક્રમિત થયા હતા અને પોતાના ગૃહ રાજ્ય ડેલાવેયર પરત ફર્યા હતા. કોરોના અંગે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે આગામી અઠવાડિયામાં તેઓ ચૂંટણી અભિયાનમાં પરત ફરશે. આ પહેલાં રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે માત્ર ઇશ્વર જ તેમની ઉમેદવારી પરત ખેંચાવી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ તો તેઓ ઉમેદવારી પરત ખેંચી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આ નિર્ણય પર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રૂથસોશિયલ પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે બાઇડન ક્યારે પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ફિટ નહોતા અને નિશ્વિત રીતે તેઓ આ પદ માટે ફિટ નથી અને ક્યારે નહોતા. ટ્રમ્પે બાઇડનને ‘કપટી’ કહ્યા છે.’ ટ્રમ્પે કહ્યું, ‘તેઓ જૂઠી વાતોના દમ પર જ રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા હતા. તેઓ પોતાના બેઝમેન્ટમાંથી પણ બહાર નીકળ્યા નથી. તેમની આસપાસ બધા લોકો, જેમાં ડૉક્ટર અને મીડિયા સામેલ છે, જાણતા હતા કે બાઇડન રાષ્ટ્રપતિ પદ માટે સક્ષમ નથી અને પહેલાં પણ ન હતા.’ ‘હવે જુઓ, તેમણે આપણા દેશનું શું કરી દીધું છે, લાખો લોકો આપણી સીમા પાર કરીને આવી રહ્યા છે. તેમની કોઈ તપાસ થઈ રહી નથી.
કેટલાક જેલ અને સ્વાસ્થ્ય સંસ્થાનામાંથી આવી રહ્યા છે.’ ‘રેકૉર્ડ સંખ્યામાં આતંકવાદી આવી રહ્યા છે, તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળને કારણે આપણે ભારે પીડા ભોગવવી પડી છે. પરંતુ તેમણે જે નુકસાન પહોંચાડ્યું છે, તેને અમે ખૂબ જ જલદીથી ઠીક કરી દઈશું’.