નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે. આ સાથે રોબર્ટ વાડ્રા પણ રાહુલ ગાંધી સાથે પ્રવાસમાં પગલા લેતા જોવા મળ્યા હતા. દિલ્હી યુનિટના વડા અનિલ ચૌધરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ બદરપુર ખાતે દિલ્હી બોર્ડર પર રાહુલ ગાંધી અને યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા હરિયાણાના ફરીદાબાદ બાજુથી દિલ્હીમાં પ્રવેશી હતી.
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં દક્ષિણ ભારતથી શરૂ થયેલા ભારત જોડો યાત્રા કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હીમાં પ્રવેશી છે. આ યાત્રામાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોની સાથે કેટલાક ફિલ્મ કલાકારો પણ જોડાયા હતા અને પોતાનું સમર્થન આપ્યું હતું. આમ મોટી સંખ્યામાં ઠેર-ઠેર ભારે સમર્થન મળી રહ્યું છે. આગામી દિવસોમાં હવે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં પૂર્વથી પશ્ચિમ સુધી યાત્રા કરવામાં આવશે. રાહુલ ગાંધી તથા કોંગ્રેસના નેતાઓએ વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.