અમદાવાદઃ સુરતના વરાછના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ધી રચના કો-ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી’ દ્વારા ‘સંયુક્ત પરિવાર વિચાર ગોષ્ઠિ’ યોજાઈ હતી. તેમજ 26મી વાર્ષિક સાધારણ સભા, વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સિલ્વર જ્યુબિલી સમાપન વર્ષ સમારોહ પણ યોજાયો હતો. આ પ્રસંગે પરષોત્તમ રૂપાલાએ સંયુક્ત પરિવાર અને બચત-કરકસરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રાચીન કહેવત છે કે બચત એ પરિવારનો બીજો ભાઈ છે. જ્યાં જનસમૂહ ઉભો થાય ત્યાં સહકારિતાનો જન્મ જ બચતથી થાય છે. પરિવારના બાળકોમાં નાનપણથી બચત અંગેનો ગુણ કેળવાય તે માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઈડરમાં બાળકોની બાળ ગોપાલ બચત બેન્ક કાર્યરત છે. જેમાં આઠ વર્ષથી લઈને 18 સુધીના બાળકો-કિશોરો સભ્ય બન્યા છે અને નાની ઉંમરે બચતને જીવનનો ભાગ બનાવ્યો છે. આ બાળકોમાંથી પ્રેરણા લઈને આપણે પણ બચત અને કરકસરથી જીવન જીવવાની શીખ આપી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, વિશ્વ-આરોગ્ય સંસ્થાએ ભારતના આયુર્વેદને માન્યતા આપી છે. ઉપરાંત, ભારતની સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની પણ વિશ્વભરમાં નોંધ લેવાય છે. સંયુક્ત કુટુંબમાં ઉછરેલા બાળકોમાં પારિવારિક ભાવના હજુ જીવંત જોવા મળે છે. બાળકોની લાલન પાલનમાં દાદા-દાદીનો પણ મહત્વનો ફાળો હોય છે. જેમને બાળપણમાં દાદા-દાદીના ખોળામાં રમવા મળ્યું હોય તે બાળકો સૌથી સુખી અને સદ્દભાગી સંતાનો છે. સંયુક્ત કુટુંબમાં જે પોતાના સંતાનોને વડીલોના હાથમાં સોંપે તે સમજદાર વાલી છે. આધુનિક સમયમાં નવી અને બદલાયેલી જીવનશૈલીના કારણે કુટુંબ વ્યવસ્થામાં પણ પરિવર્તનો આવી રહ્યાં છે એમ રૂપાલાએ ઉમેર્યું હતું.
સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આપણા સમાજ જીવનનું અભિન્ન અંગ છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, મુશ્કેલીના સમયે પરિવારના સદસ્યો જ પડખે ઉભા રહેશે. સંયુકત કુટુંબમાં સંબંધો, લાગણીઓ, કેળવણી, સન્માન, સ્નેહ અને સુખની વ્યાખ્યાઓ જો કિશોરાવસ્થાથી જ બાળક સમજી શકે તો તેના જીવનમાં તે હકારાત્મક બની સહજતાથી પ્રગતિ કરી શકશે. મોંઘી ગાડી, સારા કપડા અને સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર કે ગુણો નથી આવતા પણ પારિવારિક ઉછેર અને યોગ્ય દિશાદર્શનથી બાળક સદ્દગુણી અને વ્યાવહારિક બને છે એમ રૂપાલાએ જણાવ્યું હતું. મંત્રીએ ઉપસ્થિત દિકરીઓને વિનંતી કરતા કહ્યું કે, જે માતા-પિતાએ તમને પાળીપોષીને ઉછેર કરે છે તેમની ક્યારેય અવગણના ન કરશો તો જીવનમાં ક્યારેય દુ:ખી નહીં થશો.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, સરકાર કે શાળા બાળકનું અંશતઃ ઘડતર કરી શકે, પરંતુ વાલીઓએ બાળકોની વિષય અનુરૂપ રૂચિ જાણીને તેનામાં પરિશ્રમના બીજ રોપવા પડશે. ઈશ્વરે દરેક વ્યક્તિને જુદી જુદી ક્ષમતા આપી છે, ત્યારે ક્ષમતાઓને પારખી યોગ્ય દિશામાં વાળવા પ્રયત્નશીલ બનવા પર ભાર મૂક્યો હતો.
દુનિયા તેજસ્વિતાને પૂજે છે, એટલે જ ‘વિદ્વાન સર્વત્ર પૂજ્યતે’ એમ જણાવી તેમણે સૌને જ્ઞાની અને સભ્ય બનવાનું આહવાન કરતા કહ્યું કે, આજના આધુનિક સમયમાં પ્રદૂષણ હવા કે પાણીનું નહી, પણ વિચારો, દ્રષ્ટિ અને વર્તનવ્યવહારનું પણ થઈ રહ્યું છે. બાળકો પરિવાર અને સમાજમાં જે ચીજોનું અવલોકન કરે છે તેની સીધી જ અસર તેના પર માનસ પર થાય છે, અને જોયેલું-અનુભવેલું તે અમલમાં મૂકે છે. સંયુક્ત કુટુંબમાં જે સહન કરે તે જ સુખી થાય તેવી વિભાવના મુજબ જીવતા ઘણા પરિવારો ઉદાહરણરૂપ બન્યા છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, માઈક્રો ફાઈનાન્સની પ્રથમ શરૂઆત વર્ષ 1710માં થઈ હતી. જેમાં મહેનત કરવાની ભાવના, ધગશ છે, પરંતુ નાણાંનો અભાવ છે તેવા લોકોને નાણાકીય મદદ કરવાના ઉદ્દેશથી માઈક્રો ફાઈનાન્સનો છે. વોશિંગ્ટનની એક અગ્રણી ફાયનાન્સ સંસ્થાના રિપોર્ટ મુજબ સમગ્ર દુનિયામાં 170 કરોડ લોકોને માઈક્રો ફાઈનાન્સની જરૂર છે. સામાન્ય વ્યક્તિઓને પણ સારી રીતે જીવન નિર્વાહ કરવા માટે આ વ્યવસ્થા ઉપકારક છે એમ જણાવી વાલીઓએ પોતાના બાળકોની પ્રતિભાની ઓળખ કરી યોગ્ય ક્ષેત્રમાં તેની સુષુપ્ત શક્તિઓને ખીલવવાની તક આપવા અનુરોધ કર્યો હતો.