1. Home
  2. ગુજરાતી
  3. ભારત જ નહીં, આસપાસના તમામ દેશો સાથે આતંક વિરુદ્ધ કામ કરશે સાઉદી: મોહમ્મદ બિન સલમાન
ભારત જ નહીં, આસપાસના તમામ દેશો સાથે આતંક વિરુદ્ધ કામ કરશે સાઉદી: મોહમ્મદ બિન સલમાન

ભારત જ નહીં, આસપાસના તમામ દેશો સાથે આતંક વિરુદ્ધ કામ કરશે સાઉદી: મોહમ્મદ બિન સલમાન

0
Social Share

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું બુધવારે સવારે રાષ્ટ્રપતિભવન ખાતે ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આજે આપણે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે બંને દેશો માટે આ સંબંધોને જાળવી રાખવામાં આવે અને તેમા સુધારણા પણ કરવામાં આવે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા સાથેના ભારતના સંબંધોને વિશેષ મહત્વ આપવાના સંકેત આપતા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું પાલમ એરપોર્ટ ખાતે પહોંચીને સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા અને ઉષ્માભેર ક્રાઉન પ્રિન્સનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે બુધવારે શીર્ષસ્થ સ્તરની દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે પાકિસ્તાન પ્રાયોજિત પુલવામા હુમલાને લઈને ભારતમાં આક્રોશનું વાતાવરણ છે. ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાની મુલાકાત બાદ ભારત આવ્યા છે.

પીએમ મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની દ્વિપક્ષીય મુલાકાત બાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સે કહ્યુ હતુ કે ભારતની સાથે તેમને ઘણાં જૂના સંબંધો છે. આતંકવાદ પર ભારતની દરેક શક્ય મદદ કરવામાં આવશે. આતંકવાદ વિરુદ્ધ દરેક પગલા પર કરીશું ભારતનો સહયોગ. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યુ છે કે તેઓ ભારતની મુલાકાતે આવીને ઘણાં પ્રસન્ન છે. ભારત અને સાઉદી અરબિયાના સંબંધો ઘણાં જૂના છે અને તે બે હજાર વર્ષોથી પહેલા શરૂ થયા છે. તેમણે કહ્યુ છે કે ભારત અને સાઉદી અરેબિયાનો સંબંધ અમારા ડીએનએમાં વસેલો છે. સાઉદી અરેબિયાના શહજાદાએ કહ્યુ છે કે ભારતના લોકો અમારા મિત્ર છે અને ગત 70 વર્ષોથી સાઉદી અરેબિયાને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે. બે દિવસીય આ યાત્રા દરમિયાન એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરાશે કે સાઉદી ભારત માટે કેવા પ્રકારે કામ કરી શકે છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે બંને દેશો માટે અમે આ સંબંધને કેવી રીતે ખાસ બનાવી રાખીએ અને બહેતર બનાવીએ.

  • સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મુદ્દા પર ભારતનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓ ભારતની સાથે ઈન્ટેલિજન્સ રિપોર્ટની આપ-લે કરવા માટે તૈયાર છે. તેમણે ક્હ્યુ છે કે આ માત્ર ભારત માટે નહીં, પરંતુ આસપાસના દેશોને પણ આતંકવાદની વિરુદ્ધ લડવામાં મદદ કરશે.
  • સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સે કહ્યુ હતુ કે આતંકવાદ અને કટ્ટટરવાદના મામલા પર ભારત અને સાઉદી અરેબિયાની ચિંતાઓ સમાન છે. આ મામલા પર અમે ભારતની મદદ કરવા માટ તૈયાર છીએ. આમા તેઓ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સની આપ-લે કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરેબિયા આતંકવાદની વિરુદ્ધ લડવા માટે માત્ર ભારત જ નહીં, પરંતુ આસપાસના દેશોની પણ મદદ કરશે.
  • ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિવેદનથી સ્પષ્ટ છે કે સાઉદી અરેબિયા માત્ર ભારતને જ નહીં, પણ પાકિસ્તાનને પણ મદદ કરવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે નિવેદન આપ્યું હતું કે તેમનો દેશ પણ આતંકવાદથી પીડિત છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે અમે એ વાત પર પણ સંમત થયા છીએ કે કાઉન્ટર ટેરરિજ્મ, સમુદ્રી સુરક્ષા અને સાઈબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં વધુ મજૂબત દ્વિપક્ષીય સહયોગ બંને દેશો માટે લાભકારક રહેશે. તેમણે કહ્યુ છે કે પશ્ચિમ એશિયા અને ખાડીમાં શાંતિ તથા સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં આપણા બંને દેશોના સંયુક્ત હિત છે. આજે અમારી વાતચીતમાં,  આ ક્ષેત્રમાં અમારા કાર્યોમાં તાલમેલ લાવવા અને ભાગીદારીને તેજીથી આગળ વધારવા મામલે સંમતિ સધાઈ છે.

  • સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાન અથવા પુલવામાને લઈને કોઈ ટીપ્પણી કરી નથી.
  • વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આતંકવાદને સમાપ્ત કરવા માટે અમે એ વાત પર સંમત છીએ કે આનું સમર્થન કરી રેહલા દેશો પર દબાણ બનાવવાની જરૂરત છે. આતંકવાદીઓના સમર્થકોને સજા અપાવવી ઘણી જ જરૂરી છે, કટ્ટરવાદ વિરુદ્ધ સહયોગ અને મજબૂત કાર્યયોજનાની જરૂરત છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે તેની સાથે જ કટ્ટરતાવાદ વિરુદ્ધ સહયોગ અને તેના માટે એક મજબૂત કાર્યયોજનાની પણ જરૂરત છે, જેથી હિંસા અને આતંકવાદની શક્તિઓ આપણા યુવકોને ગેરમાર્ગે દોરી શકે નહીં. મને ખુશી છે કે સાઉદી અરેબિયા અને ભારત આના સંદર્ભે સંયુક્ત વિચાર ધરાવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આતંકવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ કરવું અને તેનું સમર્થન સમાપ્ત કરવું તથા આતંકવાદીઓ અને તેમના ટેકેદારોને સજા અપાવવી બેહદ જરૂરી છે. તાજેતરમાં પુલવામા ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલા, આ માનવતા વિરોધી ખતરાથી દુનિયા પર છવાયેલા કેરની વધુ એક ક્રૂર નિશાની છે. આ ખતરાનો પ્રભાવશાળી ઢબે સામનો કરવા માટે આપણે એ વાત પર સંમત છીએ કે આતંકવાદને કોઈપણ પ્રકારનો ટેકો આપી રહેલા દેશો પર તમામ શક્ય દબાણ વધારવું જરૂરી છે.

પીએમ મોદીએ સાઉદી અરેબિયા સાથેના પાંચ કરારો કરતા જણાવ્યુ છે કે સાઉદી સાથે ભારતના ઘણાં ઘનિષ્ઠ સંબંધો છે અને તે ભારતનું નજીકનું સહયોગી છે. સુરક્ષા, વેપાર અને તમામ વિષયો પર ક્રાઉન પ્રિન્સ સાથે સાર્થક વાતચીત થઈ હોવાનું પણ પીએમ મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આજે અમે દ્વિપક્ષીય સંબંધોના તમામ વિષયો પર વ્યાપક અને સાર્થક ચર્ચા કરી છે. અમે પરસ્પર આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિશ્ચય કર્યો છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે ભારત અને સાઉદી અરેબિયાના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિ સંબંધો સદીઓ જૂના છે. આ સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. આપણા લોકો વચ્ચેની  ઘનિષ્ઠતા અને નજીકનો સંપર્ક આપણા બંને દેશો માટે એક સજીવ સેતુ છે. આનાથી સાઉદી અરેબિયા સાથેના સંબંધોને વધુ પ્રગાઢ બનાવવામાં મદદ મળશે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ભારત સાઉદી અરેબિયાના શહજાદા મોહમ્મદ બિન સલમાનનું સ્વાગત કરેછે. આ યાત્રાથી ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોને વધુ પ્રગાઢ બનાવવામાં મદદ મળશે. સાઉદીના ક્રાઉન પ્રિન્સનું વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ ખાતે જઈને સ્વાગત કર્યુ હતું. સાઉદીના ક્રાઉન પ્રિન્સની ભારત ખાતેની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. મોહમ્મદ બિન સલમાનને આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર હતા.

મહત્વપૂર્ણ છે કે ભારત આવતા પહેલા સાઉદી અરેબિયાના પ્રિન્સ પાકિસ્તાનની મુલાકાતે હતા. અહીં તેમણે પાકિસ્તાનના વખાણ કર્યા હતા, તેની સાથે એલાન કર્યું હતું કે સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code