Site icon Revoi.in

વરસાદી માહોલથી ખેડુતોમાં હરખની હેલી, ગીર સોમનાથ, જુનાગઢ, અને બનાસકાંઠામાં મેઘાની મહેર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંબી પ્રતિક્ષા કરાવ્યા બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતા ખેડુતો હવે સારા ખરીફ પાકની આશા રાખી રહ્યા છે. આજે બુધવારે બપોર સુધીમાં 106 કરતા વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 6 ઈંચ, જુનાગઢના માળિયામાં 5 ઈંચ, ઊના અને માંગરોળમાં ચાર ઈંચ, વરસાદ પડ્યો હતો. આમ તો આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે.

સૌરાષ્ટ્રમાં  લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક રસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડકક પ્રસરી ગઈ છે. તો ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા સમાન હોવાથી ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.

દુષ્કાળના ઉંબરે પહોંચી ગયેલા ગુજરાતને જાણે છેલ્લી ઘડીએ મેઘરાજા ઉગારી રહ્યું હોય તેવા ચિહ્નોરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો. ડીસામાં 2 ઈંચ અને વડગામમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પરંતુ વરસાદના સૌથી રમૂજી દૃશ્યો યાત્રાધામ અંબાજીમાં જોવા મળ્યા હતા. અહીં ભારે વરસાદથી રસ્તા પર ઊભાં રહેલાં વાહનો તણાવા લાગ્યાં હતાં. લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવવા દોટ મૂકતા જોવા મળ્યા હતા. બીજીતરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. તેમાં પણ અમરેલીના કૂકાવાવમાં તો કલાકમાં જ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો પરંતુ નોંધપાત્ર વરસાદ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 399 મી.મી. એટલે કે 16 ઇંચ જેટલો, વાપીમાં 200 મી.મી. એટલે કે આઠ ઈંચ, માંગરોળમાં 129 મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે ગઈકાલ સાંજના સમયે દિવભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.