અમદાવાદઃ શહેરમાં લોકો હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાંથી શહેરનો નજારો માણી શકે તે માટે રિવરફ્રન્ટ પર હેલિપેડ બનાવીને જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને મહિના દરમિયાન 600થી વધુ શહેરીજનોએ જોય રાઈડની મજા માણી હતી.
અમદાવાદમાં શહેરીજનો આકાશમાંથી શહેરનો એરિયલ વ્યૂ જોઈ શકે તેમજ હેલિકોપ્ટર રાઈડનો પણ આનંદ મેળવી શકે તે ઉદ્દેશ્ય સાથે રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી હેલીકોપ્ટર જોય રાઈડ સર્વિસ શરૂ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા વોટર એરોડ્રમથી શરૂ થતી આ જોય રાઈડમાં એક મહિના દરમિયાન 600 થી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી જોય રાઈડનો આનંદ મેળવ્યો છે.
આ જોય રાઈડ વિશે એરોટ્રાન્સ સર્વિસના ચાર્ટર ડિવિઝનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ સર્વિસમાં અત્યાર સુધી 100 ટકા કેપેસી સાથે હેલીકોપ્ટર સર્વિસનું સંચાલન થયું છે. રિવરફ્રન્ટથી શરૂ થઈ આ જોય રાઈડ પતંગ હોટલ, સાબરમતી આશ્રમ, સાબરમતી જેલ, પાવર હાઉસ થઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જઈ ત્યાંથી પરત રિવરફ્રન્ટ સુધી આવતા શહેરનો એરિયલ વ્યૂ જોઈ શકાય છે. હાલ કોરોના કાળમાં પણ હેલિકોપ્ટર જોય રાઈટ માટે ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ સાથે રાઈડ દરમિયાન તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
હાલ સપ્તાહમાં માત્ર બે દિવસ દર શુક્રવારે અને શનિવારે 15-15 રાઈડ્સનું સંચાલન થાય છે. એક રાઈડમાં 5 પેસેન્જરો મુસાફરી કરતા એક દિવસમાં 75 પેસેન્જરો એટલે કે શનિ-રવિ દરમિયાન 150 અને એક મહિનામાં 600 પેસેન્જરોએ આ જોય રાઈડમાં મુસાફરી કરી છે. આ જોય રાઈડ માટે મુસાફરો ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પરથી બુકિંગ કરાવી શકે છે. 9થી 10 મિનિટની એક રાઈડ માટે પેસેન્જરો પાસેથી 2360 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે.