અમદાવાદઃ શહેરના સાબરમતિ રિવરફ્રન્ટથી હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો આકાશી નજારો માણી શકે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી હતી. કેટલાક મહિના આ સેવા કાર્યરત રહ્યા બાદ હેલિકોપ્ટર જોય રાઇડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં થતાં તે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીવાર રિવરફ્રન્ટ પર જોઈ રાઈડ શરૂ કરવામાં આવશે. આગામી 12 ઓગષ્ટથી લોકો આકાશમાંથી અમદાવાદને જોઈ શકશે.જો કે, જોય રાઈડની પ્રતિ ટિકિટના ભાવ 2360 રૂપિયા હતો એમાં વધારો કરીને 2478 નક્કી કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં જોય રાઈડ સેવા રિવરફ્રન્ટથી ગત તા. 1લી જાન્યુઆરી 2022થી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 7500થી વધુ લોકોએ તેનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ લાયસન્સ રિન્યુ ન થતાં સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરીવાર તા. 12મી ઓગસ્ટથી સેવા શરૂ કરવામાં આવશે. અઠવાડિયામાં બે દિવસ શનિ અને રવિવારે જોય રાઇડ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન 75 મુસાફરોને જોય રાઈડની મુસાફરી કરાવવામાં આવશે. એક રાઈડમાં 5 મુસાફરોને લઇ જવામાં આવશે અને અંદાજે 10 મિનિટ સુધી હેલિકોપ્ટરમાં મુસાફરી કરાવી અમદાવાદ શહેર બતાવવામાં આવશે. પ્રતિ મુસાફર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જોઇ રાઈડ માટે ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરુ કરવામાં આવેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ હવે રિન્યુ થઈ ગયો છે. 4 મહિના પહેલાં હેલિકોપ્ટર જોય રાઈડ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી ત્યારબાદ એડવાન્સ બુકિંગ કરાવનારાને પુરેપુરુ રિફંડ પણ આપી દેવામાં આવ્યું હતું.
હવે ફરી એક વાર 12 ઓગસ્ટથી શરૂ કરાશે.. જો કે આ વખતે જોયરાઈડની ટિકિટમાં વધારો કરાયો છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે એટલે કે 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.