જૂનાગઢ ભવનાથનો મેળો: આપાગીગાના ઓટલાએ અન્નક્ષેત્ર શરૂ કર્યું
- ધ્વજા રોહણ સાથે વિધિવત મહાશિવરાત્રી મેળાનો થયો પ્રારંભ
- ભવનાથ મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું
- આપાગીગાના ઓટલા દ્વારા ખુલ્લું મૂક્યું અન્નક્ષેત્ર
જૂનાગઢ: ભવનાથ સ્થિત મહાશિવરાત્રી મેળામાં ધ્વજા રોહણ બાદ મેળો વિધિવત ખુલ્લો મુકાયો હતો. મેળાના પ્રથમ દિવસે જ અંદાજે દોઢ લાખ લોકો મેળો માણવા ઉમટ્યા હતા. મેળામાં ભજન અને ભોજનનું વિશેષ મહત્વ હોવાથી જાહેર અન્નક્ષેત્રો શરૂ કરાયા છે.
ચોટીલા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા ભવનાથ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે,જ્યાં રોજના હજારો લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. મહાશિવરાત્રી મેળો બે વર્ષથી યોજાઈ ન શકવાથી આ વર્ષે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવું લાગી રહ્યું છે.
હાલ પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા દ્વારા ભાવિકોની સંખ્યાને ધ્યાને લઇ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે,જ્યારે 28 તારીખે રાજ્યના મુખ્યમંત્રી મેળામાં આવનાર હોવાથી તંત્ર દ્વારા વધુ સુરક્ષા વધારવામાં આવી છે અને મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોંબ સ્ક્વોડ દ્વારા પણ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.