જૂનાગઢ: સોરઠ પંથકમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયુ છે, પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી. જિલ્લાના 20 ટકા ખેડુતોએ વાવણી કરી દીધી છે. 80 ટકા ખેડુતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે પરંતુ ઘોઘમાર વરસાદ પડે અને નદી નાળાં છલકાય તો જ ખેડુતોને ફાયદો થાય તેમ છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ દેખાય છે, પરંતુ જૂન મહિનામાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જુનાગઢ જિલ્લાની પણ આ જ સ્થિતિ છે. જિલ્લામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા બાદ ઘણાબધા ખેડુતોએ વાવણી કરી દીધી છે, જ્યારે જે ખંડુતોના બોર-કૂવામાં પાણી છે, તેવા ખંડુતોએ તો મગફળી અને કપાસનું આગોતરૂ વાવેતર પણ કરી દીધુ હતું, હવે સારો વરસાદ પડે તો ખરીફ પાકને ફાયદો થાય તેમ છે. જિલ્લામાં સારો વરસાદ ન થતાં મેઘલ નદી કોરી ધાકોડ જોવા મળી રહી છે અને ખેડૂતો ચિંતિત બન્યાં છે. પખવાડિયા દરમિયાન સમયાંતરે વરસાદી ઝાપટાં પડ્યા છે, છતાં નદી,નાળા છલકાય તેવો વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. હાલ કુવા,બોર ઉપરાંત અનેક ડેમ પણ તળીયા ઝાટક થઈ ગયા છે. માળીયા પંથકની જીવાદોરી સમાન મેઘલ નદી ખાલીખમ જોવા મળી રહી છે.
સોરઠ પંથકમાં થોડા સમય પહેલા જે વિસ્તારોમાં કુવા,બોરમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા હતી એ વિસ્તારના ખેડૂતોએ આગોતરા મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, વરસાદી માહોલ વચ્ચે પણ સાર્વત્રિક વરસાદ પડતો નથી.જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહિં પડે તો પીવા ઉપરાંત સિંચાઈના પાણીની પણ અછત ઉભી થશે. હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન પડ્યો હોય જેથી આ વિસ્તારના 80 ટકા ખેડૂતો હજુ સુધી વાવણી કરી શક્યા નથી સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.