Site icon Revoi.in

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

Social Share

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય છે. લીલી પરિક્રમાનું આયોજન કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

લીલી પરિક્રમાની સુચારુ વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતો, ઉતારા મંડળો, NGO વગેરેને સાથે બોલાવી 13 અલગ અલગ જેટલી કમિટીની રચનાઓ વિષયક કલેક્ટરે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. પરિક્રમા દરમિયાન વન્યપ્રાણી દ્વારા યાત્રિકોને ઇજા નુકસાની ન થાય તે હેતુસર કુલ 13 ફોરેસ્ટ રાવટીઓ કરાશે. દરેક રાવટી ઉપર 2 થી 5નો ફોરેસ્ટ સ્ટાફ ફરજ ઉપર રહેશે.

ગિરનાર પરિક્રમા રૂટના 9 જગ્યાએ ડંકી, વોટર ટેંક તથા કુવામાંથી પાણી ભરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઇટવા ફોરેસ્ટ ગેઇટ ઉપરથી જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે લાકડીઓનું વિતરણ કરાશે. અને બોરદેવી ગેઇટ ઉપરથી લાકડીઓ પરત લેવાશે. પરિક્રમા દરમિયાન વન્યપ્રાણીઓ અને યાત્રિકો વચ્ચે ઘર્ષણના બનાવ ના બને અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જન જાગૃતિ કેળવાય તે માટેની વ્યવસ્થાઓ પણ કરાશે. નળપાણીની ઘોડી તથા ગિરનાર સીડી ખાતે યાત્રિકોની ગણતરી વન વિભાગના સ્ટાફ દ્વારા કરાશે.

પરિક્રમા સ્થળ ઉપર 14થી પણ વધુ વાયરલેસ નેટવર્ક સેટ દ્વારા વન વિભાગ કામગીરી કરશે. વોકીટોકીના માધ્યમથી વન વિભાગના સ્ટાફ દ્વારા દવ રક્ષણ તથા વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી કરાશે. જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી યોજાનારી 36 કિમીની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આગામી 4 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાશે.