Site icon Revoi.in

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ,જાણો ક્યારથી શરૂ થશે મેળો અને શું હશે ખાસ

Social Share

જૂનાગઢ, કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે યાતાયાતની વ્યવસ્થાઓ માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાનું સુચારૂ આયોજન માટે એક લેખિત આદેશથી ૧૩ સમિતિઓની રચના કરી છે. જેમાં સંબંધિત અધિકારીઓને તેમના વિભાગોને અનુરૂપ કામગીરી સોંપવામાં આવી છે.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ટ્રાફિક નિયમન, કાયદો વ્યવસ્થા, પાર્કિંગ ઉપરાંત રસ્તાઓને વન-વે જાહેર કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ખાસ કરીને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી એસ.ટી, બસની વ્યવસ્થા, એસ.ટી. બસોના વધારાના રૂટ દોડાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ટ્રેનમાં આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી લેવા રેલવે વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર રોપ વેમાં પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓ જળવાઈ રહે અને ખાસ કરીને પ્રવાસીઓની સલામતી ન જોખમાય તે માટે વિશેષ તકેદારી લેવા પણ કલેક્ટરએ સૂચનાઓ આપી હતી.

ઉતારા મંડળોને જગ્યા ફાળવણી, રસ્તાઓનું મરામત, દબાણ દૂર કરવા સહિતના મુદ્દે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક  અક્ષય જોશી, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.