અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા કબૂતરી ખાણમાં ચેકડેમ બનાવવા માટેના રજૂ થયેલા વિચારને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અનેસિંચાઈ વિભાગ- જૂનાગઢે આવકાર્યો હતો. જેથી આ વિરાન ખાણને જળાશયમાં પરિવર્તિત કરવાનું એક અભિયાન શરૂ થયું હતું. રેન્જ આઈ.જી., ધારાસભ્ય અને સિંચાઈ વિભાગના કાર્યપાલક એચ.કે. ઉકાણી તથા તેમની ટેકનીકલ ટીમે સ્થળ ઉપર વિઝીટ કરી, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ હાથ ધર્યો હતો. અહીંયા મહત્તમ જળસંગ્રહ કરવા માટે તાંત્રિક બાબતો ચકાસી ખૂબ જ ટૂંકા ગાળામાં સર્વે અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ખાસ કરીને સર્વે માટે સિંચાઈ વિભાગ દ્વારા આધુનિક ડીજીપીએસ ટેકનોલોજી દ્વારા મેપિંગ કરવામાં આવ્યું હતું.
મૌલિક મહેતાએ જણાવ્યું હતું કે, આ ચેકડેમનાં નિર્માણ કાર્યને ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની નેમ હતી. જે સિદ્ધ પણ થઈ હતી. ડેમ બનાવવાના વિચારણાથી માંડી અંદાજે પાંચેક માસમાં આ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા નાના -મોટા ડેમ અને કેનાલનું મરામત કાર્ય, સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કાર્યોની વ્યસ્તતા વચ્ચે આ ચેકડેમનું નિર્માણ કાર્ય ખૂબ ટૂંકાગાળામાં કરવામાં સફળતા મળી હતી.
કબૂતરી ખાણ પર ભૌગોલિક સ્થિતિ એવી છે કે, આ ચેકડેમથી 7 થી 8 કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ખૂબ મોટો ફાયદો થશે. આ ચેક ડેમની બંને બાજુ એવરેજ 4 મીટર જેટલા કાંઠા ઊંચા છે, 40 મીટર જેટલું વહેણ પહોળું રહે છે, બે મીટર જેટલી ઉંચાઈમાં બોડીવોલ બનાવવામાં આવી છે, આશરે 35 હજાર ચોરસ મીટરમાં પાણીનો ફેલાવો રહે છે. આમ, 2.14 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થાય છે. તેમજ પશ્ચિમ દિશામાં ફોરેસ્ટ રેન્જ વિસ્તાર હોવાથી પશુ પંખી અને વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીનો સ્ત્રોત બની રહેશે આમ, આ ચેકડેમથી અનેકવિધ ફાયદા થશે. તેમ નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતાએ ઉમેર્યું હતું.