જુનાગઢઃ ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ સાથે વાતાવવરણ શિવમય જોવા મળી રહ્યું છે.
જુનાગઢના ભવનાથ મહાદેવજીના પ્રાગણમાં યોજાયેલા મહા શિવરાત્રી ઉત્સવમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આવતીકાલે તા.18-2ને શનિવારના મહા શિવરાત્રીના રાત્રીના 12 કલાકે રવેડી સાથે જુદા જુદા અખાડાઓના મહંતો થાનાપતિઓ મહામંડલેશ્વરો પોત પોતાના નિશાન સાથે પાલખીયાત્રા ભવનાથના મુખ્ય રોડ રસ્તાઓમાં ફરી ભવનાથ મંદિરે પરત આવી મૃગીકુંડમાં શાહી સ્નાન કરી ભવનાથ દાદાની પૂજા અર્ચના બાદ ભવનાથનો મેળો પૂર્ણ થશે.
મહા શિવરાત્રીના આ મેળામાં આવતીકાલે શનિવારે રાત્રીના નીકળતી રવેડીમાં નાગા સાધુઓ સૌથી આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને અંગ કસરતના દાવ તલવાર પટાબાજી ઉપરાંત નાગા સાધુઓના હેરકભર્યા અંગદાવ જોવા મળશે. બપોરના 12 કલાકથી રાત્રીના 12 કલાક સુધી લોકો રવેડીના દર્શન કરવા માટે રોડની બન્ને સાઈટમાં ભુખ્યા તરસ્યા બેસી રહતા હોય છે, કારણ કે કોઈને કોઈ વેશમાં જટાજોગીઓના દર્શન થઈ જાય ખુદ ભગવાન શીવજી પણ આ મેળામાં પધારતા હોય તેવી માન્યતા છે. ઉપરાંત અમર આત્માઓ રાજા ભરથરી, અશ્વસ્થામા, વગેરે ભવનાથના મેળામાં કોઈને કોઈ સ્વરૂપે આવતા હોવાની માન્યતા છે.
શિવરાત્રીનામેળામાં પોલીસનો સઘન બંદોબસ્તગોઠવવામાં આવ્યો છે. 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 110 પીએસઆઈ, અને 1325થી વધુ પોલીસ જવાનોને બંદાબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત 728થી વધુ હોમગાર્ડ, બે એસઆરપીની ટુકડીઓને પણ રાઉન્ડ કલોક તૈનાત કરી દેવામાં આવી છે. આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી તેમજ રાત્રીના નવ કલાકે રવેડી શરૂ થશે તેના દર્શન માટે સતત માનવ મહેરામણ ભવનાથ તળેટીમં ઠલવાય રહ્યો છે. ભારે ભીડના કારણે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે. મીની બસો અને ઓટો રિક્ષાઓને જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામેના પાર્કીંગ સુધી જ જવા દેવામાં આવી રહ્યા છે.