જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે તપાસના આદેશ છૂટ્યા હતા. ત્યારે સક્કરબાગના આરએફઓએ આ અંગે જણાવ્યું હતું કે, ‘સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન થતું નથી. વાઇરલ થયેલા વિડીયો જંગલ સફારી પાર્કનો છે, પ્રતિબંધિત વિસ્તારનો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના સક્કરબાગ ઝૂમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવાતું હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી. હજુ તો એક ખાનગી ફાર્મમાં થતા ગેરકાયદેસર સિંહ દર્શનમાં વન વિભાગે 5 આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી છે તેમજ આગળની તપાસ હાથ ધરી છે. ત્યાં સક્કરબાગમાં જ ગેરકાયદેસર સિંહ દર્શનની વાતો વિડીયો મારફતે વહેતી થતા સનસનાટી મચી ગઇ હતી. દરમિયાન આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાતું હોવાની વાત જ ખોટી છે. કારણ કે, જે વિડીયો વાઇરલ થયો છે, તે વિસ્તાર જંગલ સફારી પાર્કનો છે. ત્યાં તો 50 રૂપિયાની ટિકીટ લઇ સક્કરબાગની બસમાં બેસીને જઇ શકાય છે. આમ, આ પ્રતિબંધિત વિસ્તાર નથી. બીજી વાત કે, પશુને બાંધ્યું હોય, મારણ કરાવાતું હોય કે સિંહની પજવણી થતી હોવાનું ક્યાંય વિડીયોમાં નજરે પડતું નથી. જ્યારે વાત જીપની આવે છે કે, થાર ગાડી અને એક અન્ય ગાડી હતી, તો થાર જીપ સક્કરબાગના 3 અધિકારીઓ પાસે છે. ડોકટર, એજ્યુકેશન ઓફિસર અને મિટના કોન્ટ્રાકટર આવી કાર ઘરાવે છે. તપાસમાં મિટના કોન્ટ્રાકટર ગાડી લઇને જતા હોવાનું જણાયું છે.