અમદાવાદ: વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસીઓને આકર્ષવા માટે ફરવાલાયક સ્થળો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જંગલ સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જંગલ સફારીમાં વિદેશથી અનેક પક્ષીઓ અને પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. પરંતુ વિદેશથી લાવવામાં આવેલા ઘણાબધા પ્રણીઓને વાતાવરણ માફક ન આવતા 49 પક્ષીઓ મોતને ભેટ્યા હતા.
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે 18 ફેબ્રુઆરી 2020ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સફારી પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા કેટલાય પ્રાણીઓ આકર્ષણનું કેંદ્ર છે. જંગલ સફારી પાર્કમાં વિદેશ થી લવાયેલા 49 પ્રાણીઓના મોત થયા છે. ગુજરાત વિધાનસભામાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી 22 પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે. વિદેશથી લવાયેલા પશુઓમાં પાંચ અલ્પાકા ચાર લામા પાંચ વોલ્બીઝ પાંચ જિરાફ, ત્રણ ઝિબ્રા, 3 વિલ્ડબિસ્ટ) અને બે ઓરીક્સ નો સમાવેશ થાય છે. જેમાંથી 3 અલ્પાકા, 3 વિલ્ડબિસ્ટ, બે લામા, બે ઓરીક્સ, બે વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે.
ગુજરાત વિધાનસભામાં મંત્રીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે. સરકારે બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયા બે વર્ષમાં કુલ 8.37 લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે અને તેમાંથી 15.74 કરોડ રૂપિયાની રેવન્યૂ મળી છે. 2020માં 1.26 લાખ પ્રવાસીઓએ આ સફારીની મુલાકાત લીધી હતી અને ટિકિટ દ્વારા 2.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કેમેરા ફી પેટે 3.16 લાખ રૂપિયાની આવક થઈ. 2021માં 7.12 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી 13.23 કરોડ રૂપિયાની આવક થઈ જ્યારે કેમેરા ફી પેટે 22.75 લાખ રૂપિયા વસૂલાયા હતા.