દાંતીવાડાની નવોદય કેન્દ્રિય વિદ્યાલયમાં જુનિયર છાત્રો પર રેગિંગ, 6 વિદ્યાર્થીઓને હાંકી કઢાયા
પાલનપુર : શાળા-કેલોજોમાં રેગિંગ સામે સરકારે કડક કાયદો બનાવ્યો છે. છતાં પણ શાળા-કોલેજોમાં જુનિયર વિદ્યાર્થીઓ પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવાના બનાવો બનતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.12ના 6 છાત્રોએ રેગીંગ કરતા પ્રિન્સિપાલે 6 સામે કાર્યવાહી કરીને તમામને હાંકી કાઢ્યા હતા. હોસ્ટેલમાં તેઓ જુનિયર છાત્રોની પજવણી કરતા હતા, આ અંગેની જાણ વાલીઓને થતા ધો. 9 – 10 વાલીઓએ હોસ્ટેલમાં જઈને હંગામો મચાવ્યો હતો. ત્યારે આચાર્યએ 6 છાત્રો સામે કાર્યવાહી કરી મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
બનાસકાંઠાના દાંતીવાડા નવોદય કેન્દ્રીય વિદ્યાલય અનેક વાર વિવાદમાં સપડાઈ છે. અગાઉ મેસમાં બાળકોને ભોજનમાં ગેરરીતિ મામલે ત્રણ રસોયાની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. ત્યારે નવા વિવાદમાં દાંતીવાડા નવોદય સ્કૂલમાં કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ અહીં હોસ્ટેલમાં રહેતાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી તેમની પાસે બળજબરી પૂર્વક કામ કરાવતા હતા. તેમની પાસેથી કપડા ધોવા તેમજ સફાઈ કરી રેંગિંગ કરતા હોવાનો ચોંકાવનારો ઘટોસ્ફોટ થયો છે.
નવોદય કેમ્પસમાંથી પીડિત બાળકો અને તેમનાં વાલીઓમાંથી મળેલી માહિતી અનુસાર, આ કેમ્પસમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના બાળકોને આજ હોસ્ટેલમાં ભણતાં ધોરણ 11અને 12ના સિનિયર છાત્રો દ્વારા પજવણી કરાતી હતી. તેઓ પાસે કપડાં અને સફાઈ કરાવાતા હતા અને તેમનાં ફરમાન ના માનનારાઓને માર મરાતો હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. એટલું જ નહિ, પીડિત છાત્રોએ પ્રિન્સીપાલને વારંવાર રજૂઆતો કરવાં છતાં પ્રિન્સિપાલે મામલો પોતાના સુધી સીમિત રાખી ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યાની હકીકત મળતાં, વાલીઓ દાંતીવાડા જવાહર નવોદય વિદ્યાલય પહોંચ્યા હતા. ભારે વિવાદ બાદ મોડે મોડે છ છાત્રોને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ‘આ સંગીન અપરાધી મામલો હોઈ જિલ્લા કલેક્ટર યોગ્ય તપાસ અધિકારી અથવા કમિટી રચાશે. ધોરણ 9 અને 10 ના પીડિત બાળકોના નિવેદન લેવાશે. ત્યાર બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થશે. તો બીજી તરફ આ ઘટના બાબતે દાંતીવાડા નવોદય પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, કોરોના સમય હોઈ લાંબા સમય બાદ અભ્યાસ શરૂ થયો છે. બાળકો વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. તેમ જણાવી ગલ્લા તલ્લા કર્યા હતા. જોકે 6 છાત્રો સામે પગલાં અંગે કોઈ વ્યાજબી સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ આ બનાવે ચકચાર જગાવી છે.