Site icon Revoi.in

અમદાવાદમાં ગણેશોત્સવ પહેલા જ શ્રીજીની મૂર્તિઓના ભાવમાં 25થી 30 ટકા જેટલો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મોરિયા રે બાપા મોરિયા રે. આ નાદ ગુંજવાને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગણેશજીના મૂર્તિકારો શ્રીજીની મૂર્તિઓ બનાવીને તેને રંગરોગાન માટે આખરી ઓપ આપી રહ્યા છે.ભાવિકો  છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી શક્યા ન હતા. આ વર્ષે રાજ્ય સરકારે મૂર્તિ પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. આથી ભાવિકો  મોટી મૂર્તિઓનું સ્થાપન પણ કરી શકશે. આ વખતે મૂર્તિકારોને પણ મોંઘવારી નડી રહી છે તેથી મૂર્તિઓના ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ એક સારી બાબત એ છે કે, આ વખતે પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીની મૂર્તિઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે.

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત છે. ખાસ કરીને આ વિસ્તાર હોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રમજીવીઓ મૂર્તિઓ બનાવીને વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીના મૂર્તિકારોના કહેવા મુજબ પહેલાના વર્ષોનાં માટીની મૂર્તિની માગ નહિવત રહેતી હતી જો કે હાલના થોડા વર્ષોમાં માટીની મૂર્તિને લઈને લોકોમાં જાગૃતિ વધી છે અને માટીની મૂર્તિની માગ પણ વધી છે.જો કે હાલ તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને છે ત્યારે ગણેશજીની મૂર્તિમાં પણ 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. રો મટિરિયલના ભાવ વધતા મૂર્તિઓની કિંમતમાં પણ વધારો થયો છે.

એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં માટીની 30 હજાર જેટલી માટીની મૂર્તિ તૈયાર થાય છે. તેમા પણ છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળને કારણે પંડાલોને મંજૂરી ન આપતા મોટી મૂર્તિ બનવાની બંધ થઈ ગઈ હતી. આ વર્ષે પાંચ ફુટ ઉપરની મૂર્તિને છૂટછાટ આપતા 9 ફુટ સુધીની પણ મૂર્તિ જોવા મળશે. આ વર્ષે ભાવમાં પણ 20 થી 30 ટકાનો વધારો થતા લોકોના ઉત્સાહ પર તેની અસર જોવા મળી છે. જે લોકો દર વર્ષે 4 ફુટ સુધીની મૂર્તિનું સ્થાપન કરતા હતા તેઓ અઢીથી ત્રણ ફુટની મૂર્તિ જ પસંદ કરી રહ્યા છે. પહેલા જે મૂર્તિઓ 3500 રૂપિયામાં મળથી હતી તે હાલ 4500 રૂપિયામાં વેચાઈ રહી છે. જોકે આ વર્ષે ભાવિકોમાં માટીની મૂર્તિની માગ વધારે જોવા મળી રહી છે. ગ્રાહકો ખુદ માટીની મૂર્તિ માગી રહ્યા છે. મૂર્તિકારોનું માનવુ છે કે POPની મૂર્તિથી પોલ્યુશન થાય છે અને યોગ્ય વિસર્જન ન થવાથી ગણેશજીનું અપમાન થવાની પણ લાગણી દુભાય છે. જે માટીની મૂર્તિમાં થતુ નથી. માટીની મૂર્તિ સારી રીતે વિસર્જન થતી હોવાથી મોંઘી હોવા છતા લોકો માટીની મૂર્તિ તરફ વળ્યા છે.