ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્વે જ વધુ એક ઉમેદવાર કોરોના સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. આગામી દિવસોમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે જેથી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં ભાજપના મહિલા ઉમેદવાર કોરોના સંક્રમિત થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ (ખોરજ )કોરોના પોઝિટિવ આવ્યા છે. ખોરજ ગામે રહેતા અને ચૂંટણી પ્રચારમાં કાર્યરત કાર્યકરો પણ ભયભીત થઈ ગયા છે. તાજેતરમાં જ વોર્ડ 10 ના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચારમાં પણ સન્નાટાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે.