Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પર જેવી પટેલની જીત

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની રસાકસીભરી ચૂંટણીમાં પરિણામ જાહેર કરાતા સંચાલક મંડળમાંથી જેવી પટેલની જીત થઈ છે. જ્યારે  છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટનો પરાજ્ય થયો હતો. અને ત્રીજા ઉમેદવાર મેહૂલ પરડવાને પણ સારી સંખ્યામાં મત મળ્યા હતા. જ્યારે સરકારી શાળાના શિક્ષકની બેઠક પરથી કચ્છના દિવ્યરાજસિંહ જાડેજાની જીત થઈ છે,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણી ભારે રસાકસીભરી બની હતી. જેમાં સંચાલક મંડળની બેઠક પર પ્રતિષ્ઠાની લડાઈ સમાન આ જંગમાં ડો. પ્રિયવદન કોરાટ અને જે.વી. પટેલે છેલ્લી ઘડી સુધી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, છેવટે જે.વી. પટેલ 402 મતે વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સરકારી શાળાના શિક્ષકની બેઠક પરથી કચ્છના દિવ્યરાજસિંહ જાડેજાની જીત થઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો ચૂંટવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોર્ડના 9 સભ્યોને ચૂંટવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 સભ્યો પૈકી 6 સભ્યો બિનહરીફ જાહેર થયા હતા.  જ્યારે વાલી મંડળની બેઠક પર એક પણ ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહેતા આ બેઠક પર ચૂંટણી યોજવામાં આવી નહતી. જ્યારે સરકારી શાળાના શિક્ષક અને સંચાલક મંડળની બેઠક માટે મંગળવારના રોજ મતદાન થયું હતું. સંચાલક મંડળની બેઠક માટે સમગ્ર રાજ્યમાં 6310 મતદારો નોંધાયા હતા. જેમાં મતદાનના દિવસે કુલ 4433 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, સંચાલક મંડળની બેઠક માટે 70.35 ટકા મતદાન થયું હતું.  જ્યારે સરકારી શિક્ષકમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા, અમદાવાદના ચેતનાબેન ભગોરા અને ભાવનગરના વિજય ખટાણા સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. આ બેઠક માટે સમગ્ર રાજ્યમાંથી 4677 મતદારો નોંધાયા હતા. જેમાંથી મતદાનના દિવસે 3698 મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો. આમ, સરકારી શાળાના શિક્ષક વિભાગ માટે કુલ 79.03 ટકા મતદાન થયું હતું.

મતદાન પુર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પરનો જંગ ખુબ જ રસપ્રદ હોવાથી તમામની નજર આ બેઠક પર રહી હતી. આ બેઠક પર ડો.પ્રિયવદન કોરાટ અને જે.વી. પટેલ વચ્ચે સીધી સ્પર્ધા હતી. મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ રાઉન્ડથી જ સંચાલક મંડળના ઉમેદવાર જે.વી. પટેલ આગળ ચાલતા હતા. છેક, છેલ્લે સુધી તેમણે લીડ જાળવી રાખી હતી અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.