નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં તિહાડ જેલમાં બંધ બીઆરએસ નેતા કે.કવિતાને વચગાળાના જામીનની માંગ સાથે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દીકરાની પરીક્ષાને લઈને જામીન માટે કરેલી અરજી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે ફગાવી દેવા કે.કવિતાની મુશ્કેલીમાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીકર પોલીસી પ્રકરણમાં બીઆરએસ નેતા કવિતાની ગતા મહિને તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી હતી. 2 એપ્રિલના રોજ કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. તેમને 15મી એપ્રિલના રોજ કોર્ટમાં રજુ કરવામાં આવશે. દીકરાની પરીક્ષાને લઈને કોર્ટમાં કે.કવિતાએ વચગાળાના જામીનની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં બીઆરએસ નેતા તરફથી તેમના વકીલે રજુઆત કરી હતી કે, એપ્રિલ મહિનામાં તેમના દીકરાની પરીક્ષા શરુ થઈ થઈ રહી છે. 16 વર્ષના દીકરાને પરીક્ષા સમયે માતાના સપોર્ટની જરુર છે. માતાની જરૂરિયાત ભાઈ અને પિતા પુરી પાડી શકે તેમ નથી. જેથી તેમને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ.
અરજીનો વિરોધ કરતા ઈડીના વકીલે રજુઆત કરી હતી કે, કે.કવિતા મુખ્ય આરોપીઓ પૈકીના એક છે. તેમણે પોતાની સામેના પુરાવા નષ્ટ કર્યાં છે, જેમાં તેમના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. જો તેમના જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તપાસને અસર થવાની શકયતા છે. કે.કવિતાના દીકરાની 12માંથી સાત પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે તે એકલો ન હતો તેની પાસે પિતા અને મોટો ભાઈ હાજર છે.