Site icon Revoi.in

કડાણા ડેમ ભારે વરસાદને લીધે ઓવરફ્લો થતાં ડેમના 15 દરવાજા ખોલાયા

Social Share

વડોદરાઃ  ગુજરાતમાં ભારે વરસાદને કારણે 115 જળાશયો ઓવરફ્લો થયા છે. જેમાં રાજ્યના ત્રીજા નંબરના મોટા કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ પર મુકવામાં આવ્યો છે. કડાણા ડેમની આજે 15 ગેટ 1.92 મીટર સુધી ખોલી મહીસાગર નદીમાં 1 લાખ 77 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા મહીંસાગર નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. અને નદીકાંઠાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જો ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો વધારે પણ પાણી છોડવામાં આવી શકે છે.

કડાણા ડેમ ઓવરફ્લો થતાં નવી નીરને વધાવવામાં આવ્યા છે. ડેમ પર અલગ અલગ લાઈટિંગ લગાવવામાં આવી છે.  ડેમમાંથી પાણી છોડાવામાં આવતા ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો છે. ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે અને ત્યાં રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવેલી છે જેથી કરીને નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યા છે.  કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ રાજસ્થાનના વાંસવાડામાં આવેલા માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.  જેને લઈને ડેમને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યો છે. જ્યારે ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના સૌથી મોટા ડેમ (લંબાઈમાં) માહી બજાજ સાગરના 6 દરવાજા ખોલવા આવ્યા હતા. ડેમમાંથી 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મંગળવારે બપોરે 3 વાગ્યે ગેટ ખૂલવાના એક કલાક પહેલા સાયરન વગાડીને એલર્ટ આપવામાં આવ્યું હતું. 4.26 વાગ્યે દરવાજા ખોલવામાં આવ્યા હતા.  કડાણા ડેમમાં અત્યારે 1 લાખ 999 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. જેની સામે ડેમમાંથી અત્યારે 1 લાખ 77 હજાર 385 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેમાં ડેમના 15 ગેટ 1.92 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આમ ડેમના કુલ 15 ગેટ ખોલી 1 લાખ 56 હજાર 985 ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થતા વીજળી ઉતપન્ન થઈ રહી છે. આ સાથે ડેમનું હાલનું લેવલ 417.4 ફૂટે પહોંચ્યું છે. જ્યારે ડેમનું કુલ લેવલ 419.ફૂટ છે અને ડેમ અત્યારે 95 ટકા ભરાયો છે. કડાણા ડેમમાંથી મહીં નદીમાં પાણી છોડતા મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે.