અમદાવાદઃ કૈલાસ માનસરોવરની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. કોરોના કાળને લીધે છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રા બંધ હતી. આ વર્ષે દર્શનાર્થીઓ માટે યાત્રાનો આવતી કાલ તા.1લી મેથી પ્રારંભ થઈ રહ્યો છે. હિમાલયની ગિરિકંદરાઓના દુર્ગમ માર્ગથી ટોચ સુધી જનાર પર્વતારોહકો અને ભક્તોમાં કૈલાસ માનસરોવર અનેરો રોમાન્ચ ખડો કરે છે. જો કે આ યાત્રાએ જવા માટે ચાઇના સરકારની મંજૂરી જરૂરી હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી બાદ એટલે કે 2019 બાદ ફરી એક વખત આ વર્ષે કૈલાસ યાત્રા શરૂ કરવા માટે ચાઇના ગવર્મેન્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. કૈલાસ માનસરોવરના બે માર્ગ પૈકી આ વર્ષે નેપાળના માર્ગથી જ જઇ શકાશે. ચાઇના દ્વારા નેપાળ ખાતે યાત્રા માટેની કામગીરી 15 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે નેપાળના યાત્રીઓ અને તબક્કાવાર ભારત તેમજ અન્ય દેશના યાત્રીઓ માટે પણ મંજૂરી આપી છે. અમદાવાદના એક ટુર ઓપરેટરના કહેવા મુજબ દર વર્ષે 25,000 લોકો આ યાત્રાએ જાય છે. વિદેશથી આવતા લોકો પણ ભારત થઈને કૈલાસના દર્શને જતા હોય છે. હેલિકોપ્ટર દ્વારા લખનઉથી તેમજ કાઠમંડુથી જઈ શકાય છે. જ્યારે ભારતના રસ્તે દિલ્હીથી ઉત્તરાખંડ અને લિપુલેક પાસના રસ્તે જઈ શકાય છે. નેપાળના રસ્તે નેપાળથી આગળ બસ દ્વારા પણ જવાય છે. હેલિકોપ્ટરથી નવ દિવસની અને રોડ માર્ગથી 13 દિવસની યાત્રા હોય છે. 18 વર્ષથી ઉપરના અને 70 વર્ષ સુધીના લોકો જઈ શકે છે. કૈલાસ માનસરોવરની યાત્રા માટે હિમાલયમાં રોકાવા પર્વત ઉપર ગેસ્ટહાઉસની સુવિધા શરૂ થઈ છે. પરંતુ ગટરલાઈન ન હોવાથી ત્યાં ટોઈલેટની વ્યવસ્થા નથી હોતી. ટેન્ટમાં ઓપરેટરો ખુરશી મૂકીને કામ ચલાઉ ટોઈલેટ તૈયાર કરે છે. લાઈટ માટે પણ સોલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.