કલા મહાકુંભ 2023: ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઝળકી
અમદાવાદઃ મહેસાણામાં નિલકંઠ વિદ્યાલય ખાતે ઉત્તર ઝોન કક્ષાના કલા મહાકુંભ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતની અનેક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ લોકગીત સ્પર્ધામાં દ્રીતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભરની બાળાઓએ ઉત્તર ઝોન કક્ષાના કલા મહાકુંભમાં લોકગીત વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી પોતાનું કૌતુક દેખાડયું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા નીખરે અને કેળવણી થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવૃતિલક્ષી શિક્ષણ પર સવિશેષ ભાર આપવામાં આવે છે,અને એની ફલશ્રુતિરૂપે ઊંઝાની નિલકંઠ વિદ્યાલય મક્તુપુર ખાતે ઉત્તર ઝોન કક્ષાના કલા મહાકુંભ-2023 માં શાળાની બાળાઓએ લોકગીત સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળા,તાલુકા અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. શાળાની કોકીલકંઠી વિદ્યાર્થિનીઓ અને સંગીત શિક્ષક દયારામભાઈને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાનું આ સંગીતવૃન્દ આગામી સમયમાં રાજય કક્ષાએ બેનમૂન પ્રદર્શન કરે એવી અભિલાષા પણ સૌએ વ્યકત કરી છે.