Site icon Revoi.in

ગુજરાતમાં ટેટ-ટાટ ઉતિર્ણ થયેલા ચિત્ર શિક્ષકોની 10 ટકા ભરતી કરવા કલા સંઘની માગણી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં 24,700 શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કર્યું છે, ત્યારે ટેટ અને ટાટ ઉતિર્ણ થયેલા ચિત્રના શિક્ષકોની 10 ટકા ભરતી કરવા માગ ઊઠી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ચિત્રના શિક્ષકો જ નથી. અને સરકારે 15 વર્ષથી ચિત્રના શિક્ષકોની ભરતી કરી નથી.  રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા 15 વર્ષથી સરકારને વારંવાર ચિત્રના શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરી રહી છે. એમાં ચિત્ર શિક્ષકોની 10 ટકા ભરતી કરવાની માગણી કરવામાં આવી છે.

કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂળભૂત અને પાયાના જે વિષયો છે કે, જે વિષયોમાંથી વિદ્યાર્થી પોતાની સર્જન શક્તિ નિખારી શકે છે. આ વિષયના શિક્ષકોની સરકારે છેલ્લાં 15 વર્ષથી ભરતી નહીં કરીને આ વિષયને હાંસિયામાં ધકેલી દીધો છે. ભાજપ સરકાર દ્વારા રાજ્ય લેવલે કલા મહાકુંભ અને કલા મહોત્સવ જેવા ઉત્સવ થાય છે, પણ ચિત્ર શિક્ષકની ભરતી થતી નથી.ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે છેલ્લા 15 વર્ષથી રજૂઆત કરી છે. તેમ છતાં સરકાર આ દિશામાં કેમ વિચાર કરતી નથી?

ભાવનગર કલા સંઘ પ્રમુખ અજયસિંહ ચૌહાણે જણાવ્યું છે. કે, આગામી સમયમાં ટેટ અને ટાટના 24,700 શિક્ષકોની ભરતી કરાશે ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટેટ અને ટાટ પાસ થયેલા ચિત્રકલા વિષયની 10 ટકા ટકા ભરતી કરવામાં આવે તેવી માગ છે. ચિત્ર શિક્ષકોની ભરતી નહીં થવાના કારણે નોકરીની આશાએે 20 વર્ષથી બેઠેલા ઉમેદવારો અને તેમનો પરિવાર બેરોજગારીમાં પીસાઈ રહ્યો છે. જો આ બાબતે સરકાર નહીં વિચારે તો આગામી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.