કામધેનુ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો, 826 વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કરાઈ
ગાંધીનગરઃ કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા, ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા વિશેષ સંશોધનો અને પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. સખત પરિશ્રમ, કઠિન તપસ્યા અને મહાન કર્મયોગ જ જીવનને સફળ બનાવવાની ચાવી છે, એમ કહીને તેમણે યુવાનોને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પશુપાલક છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની સાથોસાથ તેમની ગૌશાળામાં ૩૫૦ જેટલી ગાયો પણ છે. તેમણે જાતે મહેનત કરીને પોતાની દેશી ગાયોની નસલ સુધારી છે. આજે તેમની ગૌશાળામાં પ્રતિ પશુ-પ્રતિદિન સરેરાશ ૨૮ લીટર દૂધ મળી રહ્યું છે. તેમની એક દેશી ગાય પ્રતિદિન ૨૪ લીટર જેટલું દૂધ આપી શકે એવી ઉત્તમ નસલ ધરાવે છે.
કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પશુપાલક અને ખેડૂત તરીકે સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મેં સ્વયં પશુપાલન કર્યું છે એટલે કહી રહ્યો છું કે, દુધાળા પશુઓની નસલ સુધારણા, એમ્બ્રિયો ગ્રેડિંગ અને સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી જેવા ક્રાંતિકારી સંશોધનોથી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યભાવનાથી દેશને પ્રગતિના માર્ગે આગળ લઈ જાઓ. દૂધ ઉત્પાદન વધશે તો પશુપાલક અને ખેડૂત સમૃદ્ધ થશે. ખેડૂત સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર સમૃદ્ધ થશે. દૂધ અને અનાજની ગુણવત્તા સુધરશે તો કુપોષણની સમસ્યાનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે ડિગ્રી તો માત્ર નોકરી માટે છે, જે પણ ક્ષેત્રમાં કામ કરો ત્યાં ક્રાંતિ કરો અને નવો ઇતિહાસ રચો.
પશુપાલન અને કૃષિ એકમેકના પુરક છે. જેમ દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધારવાની આવશ્યકતા છે તેમ કૃષિ ઉત્પાદનોમાં પણ ગુણવત્તા સુધારવાની તાતી આવશ્યકતા છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતી બિનઉપજાઉ અને વેરાન તો બની જ છે, જે ખેત ઉત્પાદન મેળવી રહ્યા છીએ તેમાં પણ ૪૫% પોષક તત્વો નથી રહ્યા. એટલું જ નહીં, ખેત ઉત્પાદનો દ્વારા માનવ શરીરમાં ધીમું ઝેર જઈ રહ્યું છે, જેનાથી જીવલેણ અને ગંભીર રોગોની સમસ્યા વકરી છે. આપણે અનાજના ભંડાર તો ભર્યા પણ પોષક તત્વો ગાયબ થઈ ગયા છે.
પશુઓના દૂધમાં પણ રસાયણો અને પેસ્ટીસાઈડ્સના અંશ મળી રહ્યા છે, ત્યારે રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની આવશ્યકતા છે એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર ગુજરાત સરકારના પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સારી સફળતા મળી રહી છે. ગુજરાતમાં આજે નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ફળદ્રુપતા પાછી આવશે, કૃષિ પેદાશોની ગુણવત્તા સુધરશે. પરિણામે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને જળ-વાયુ તથા પર્યાવરણ પણ સુધરશે.