Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા,

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. જેમાં શહેરના નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા છે.  ડેપ્યુટી મેયરની રેસમાં દર્શનાબેન પંડ્યા અને વર્ષાબેન રાણપરાના નામ છેલ્લે સુધી ચર્ચાતા હતા. પરંતુ ભાજપ શાસિત મ્યુનિ.માં  કંચનબેનને ડેપ્યુટી મેયર બનાવ્યા છે.  કંચનબેન સિદ્ધપરા 6 મહિના સુધી ડેપ્યુટી મેયર તરીકે રહેશે. તેમને ભાજપના મ્યુનિ.ના પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ અભિનંદન પાઠવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપના પ્રદેશ કમાન્ડથી આવેલા મેન્ડેડ મુજબ ડેપ્યુટી મેયર તરીકે કંચનબંન સિદ્ધપરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સામાન્ય સભામાં તેમને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. કંચનબેન રાજકોટના વોર્ડ નં.16ના ભાજપના કોર્પોરેટર છે. તેમજ તેઓ રાજકોટ શહેર મહિલા ભાજપ ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. શહેરના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા બાદ કંચનબેને જણાવ્યું હતું કે, મેં પૂર્વ મંત્રી તરીકે સંગઠનમાં કામ કર્યું છે. જ્યારે ધનસુખભાઈ ભંડેરી પ્રમુખ હતા ત્યારે મેં તેમની સાથે કામ કર્યું છે. રાજકોટ શહેર મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે. ભાજપે જ્યારે મને મ્યુનિ.ની ચૂંટણીમાં વોર્ડ નં.16માં ટિકિટ આપી ત્યારે હું જંગી બહુમતિથી જીતી કોર્પોરેટર બની છું. પાર્ટીએ મને આજે આ સ્થાન પર બેસાડી તેનાથી ગર્વ અનુભવું છું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન ટર્મની બાકીની છ મહિનાની મુદત માટે ડેપ્યુટી મેયરની જગ્યા ખાલી પડી હતી. આથી નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેનની નિમણુંક છ માસ માટે કરવામાં આવી છે. રાજકોટમાં મહિલા ડે.મેયરની જગ્યાએ ફરી મહિલા કોર્પોરેટર જ પદ સંભાળશે. ચાર પુરૂષ અને એક મહિલા પદાધિકારીની વ્યવસ્થા ચાલુ રહેશે. આજે મ્યુનિ.ની જનરલ બોર્ડના એજન્ડા પર વાવડીમાં કબ્રસ્તાનની અગાઉથી પેન્ડિંગ રહેલી દરખાસ્ત, નામકરણ વગેરે પાંચ પ્રસ્તાવ સામેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે.કે, રાજકોટ મ્યુનિ.માં વોર્ડ નં.2ના કોર્પોરેટર દર્શિતાબેન શાહ  ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા.પરંતુ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દર્શિતાબેનને રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ટિકિટ આપી હતી. આ બેઠક પર દર્શિતાબેન જંગી બહુમતિથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય બનતા તેમણે  ડે.મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. આથી આ ડેપ્યુટી મેયર તરીકેની જગ્યા ખાલી પડી હતી.