કંધાર હાઈજેક કેસના આરોપીની હત્યાઃ અંતિમવિધીમાં મસૂદ અઝહરનો ભાઈ રઉફ પણ રહ્યો હાજર
નવી દિલ્હીઃ IC 814 હાઇજેક કેસના આરોપી ઝહૂર મિસ્ત્રીની પાકિસ્તાનમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. તેના અંતિમ સંસ્કારમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગર સહિત આતંકવાદી જૂથના અન્ય લોકોએ હાજરી આપી હોવાનું જાણવા મળે છે. હત્યારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર IC 814 ફ્લાઇટના હાઇજેકર્સમાંના એક ઝહૂર મિસ્ત્રીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી. મિસ્ત્રીની 1 માર્ચે કરાચીની અખ્તર કોલોનીમાં બાઇક પર આવેલા બે હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મિસ્ત્રી કરાચીમાં “ઝાહિદ અખુંદ”ની નકલી ઓળખથી રહેતો હતો અને ક્રેસન્ટ ફર્નિચરના નામથી ફર્નિચરનો ધંધો કરતો હતો. મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગર સહિત આતંકવાદી જૂથના અન્ય લોકોએ હાજરી આપી હતી.
ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને 24 ડિસેમ્બર, 1999ના રોજ હાઈજેક કરવામાં આવી હતી, જ્યારે તે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી હતી. મિસ્ત્રી પાંચ હાઈજેકર્સમાં સામેલ હતો, જેમાં રઉફ અસગર અને અઝહરના મોટા ભાઈ ઈબ્રાહિમ અઝહરનો સમાવેશ થાય છે. મિસ્ત્રીએ જ ફ્લાઇટમાં 25 વર્ષીય રુપિન કાત્યાલ નામના એક મુસાફરોની હત્યા કરી હતી.
(Photo-File)