Site icon Revoi.in

કંડલા-અમદાવાદની બે વિમાની સેવા તા. 20થી 30 એપ્રિલ સુધી બંધ રહેશે

Social Share

અમદાવાદ : શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  વિમાન મથક ખાતે રનવેનાં ચાલતાં સમારકામનાં કારણે એક સરકારી અને ખાનગી કંપનીની અમદાવાદ-કંડલા વચ્ચેની વિમાની સેવા 10 દિવસ સુધી બંધ રહેશે.

એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યા  મુજબ, અમદાવાદ એરપોર્ટ ખાતે આગામી તા. 20 એપ્રિલથી 10 દિવસ માટે રનવેનાં સમારકામનું કામ હાથ ધરાશે, જેનાં કારણે આ 10 દિવસ દરમ્યાન સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ઓપરેશનની કામગીરી બંધ રાખવામાં આવશે. જેનાં કારણે કંડલા-અમદાવાદ વચ્ચે ચાલતી બે વિમાની સેવાનાં આવાગમનને અસર પડશે.

સરકારી કંપની એર ઈન્ડિયાની સહયોગી કંપની એલાયન્સ એરની ફ્લાઈટ અને ટ્રુ જેટની ફ્લાઈટ આ 11થી પ વાગ્યાના સમયગાળા દરમ્યાન જ અમદાવાદથી ઉડાન ભરે છે અને કંડલા પહોંચી પાંચ વાગ્યા પહેલાં જ અમદાવાદ પહોંચે છે, જેનાં કારણે એલાયન્સ એર અને ટ્રુ જેટની કંડલા-અમદાવાદ વચ્ચેની વિમાની સેવા આગામી 20 એપ્રિલથી તા. 30 એપ્રિલ સુધી બંધ રહેશે અને તા. 1 મેથી આ બન્ને વિમાની કંપનીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે