અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સોમવારથી થશે પ્રારંભ, વાહનો માટે નો-U ટર્ન જાહેર કરાયા
અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો તા.25મીને સોમવારથી દબદબાભેર પ્રારંભ થશે. કાંકરિયા લેક વિસ્તારને દુલ્હનની જેમ સોળે શણગારથી સજાવાયુ છે. કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથીનો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન સહિતના નિયમો જારી કરાયા છે. આ ઉપરાંત શહેરના સીજી રોડ પર 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા હોવાથી નવરંગપુરા સ્ટેડિયમથી પંચવટી સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યાથી વાહનોની અવરજવર બંધ રહેશે. આ અંગે પાલીસે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.
અમદાવાદ શહેરમાં તા.25મી ડિસેમ્બરને સોમવારથી કાંકરિયા કાર્નિવલના દબદબાભેર પ્રારંભ થશે. આ મહોત્સવમાં મોટી સંખ્યમાં શહેરીજનો ઉમટી પડવાના હોવાથી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક માટેના કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા ચોકી ત્રણ રસ્તા થઈ, રેલવે યાર્ડ થઇ, ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઇ પરત કાંકરીયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈપણ પ્રકારના વાહનો સ્ટોપ થઇ શકશે નહી. આ ઉપરાંત તમામ વાહનો નિર્ધારીત પાર્કીંગ જગ્યા સિવાય બીજી કોઇપણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહીં. સમગ્ર કાંકરીયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈપણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને “નો યુ ટર્ન” ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. શહેરમાં અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની માર્ગો પર સવાર 8થી રાત્રી 1 વાગ્યા સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરે સીજી રોડ પર યુવક-યુવતીઓ એકઠા થઈને નવા વર્ષના આગમનની ઊજવણી કરતા હોય છે. ત્યારે 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી માર્ગ વાહનો માટે બંધ રહેશે. આ ઉપરાંત 31 ડિસેમ્બરે રાતે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી 3 વાગ્યા સુધી એસજી હાઇવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહન પણ પાર્ક થઈ શકશે નહીં.