Site icon Revoi.in

કાનપુરઃ મહિલાના કપડા અને બુરખો પહેરીને હોસ્પિટલના સ્ત્રી વોર્ડમાં ફરવુ યુવાનને પડ્યું ભારે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શખ્સ બુરખો પહેરીને હોસ્પિટલના મહિલા વોર્ડમાં બિંદાસ્ત ફરતો હતો. જેને લોકોને પકડીને માર માર્યો હતો. બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બુરખો પહેરીને ફરનાર યુવાન તબીબની કારનો ડ્રાઈવર હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર હોસ્પિટલના મહિલા વોર્ડમાં બુરખો પહેરીને ફરનાર યુવાનનું નામ રઈસ હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલમાં કામ કરતી ડોકટર ગજાલા અંજુમનો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને કાનપુરના ચમનગંજ વિસ્તારમાં રહેતો હતો. જ્યારે પોલીસે રઈસની પૂછપરછ કરતા તેણે ગોળગોળ જવાબ આપ્યાં હતા. રઈસે કહ્યું હતું કે, શેતાન હાવી ના થાય તે માટે બુરખો પહેરતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કેમ બુરખો પહેરીને હોસ્પિટલના મહિલા વોર્ડમાં ફરતો તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

રઈસ હોસ્પિટલના મહિલા વોર્ડમાં બુરખો પહેરીને ફરતો હતો ત્યારે એક દર્દીને તેની ચાલ ઉપર શંકા ગઈ હતી. જેથી તેણે સ્ટાફને જાણ કરી હતી. જેથી સ્ટાફે રઈસને અટકાવ્યો હતો. જેના પરિણામે તેણે દિવાર કુદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લોકોએ તેને પકડી લઈને બુરખો કઢાવતા નીચે સલવાર-કુર્તા પણ પહેર્યાં હતા. લોકો રઈસને આતંકવાદી સમજી બેઠા હતા. બાદમાં તે મહિલા તબીબનો ચાલક હોવાનું ખૂલતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.