કાનપુરઃ કડકડતી ઠંડીમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના બનાવો વધ્યાં, 114 વ્યક્તિઓના મોત
લખનૌઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે મેદાની વિસ્તારમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ઠંડીના કારણે યુપીના કાનપુરમાં છેલ્લા છ દિવસમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 114 લોકોના મોત થયા થયાનું જાણવા મળે છે. આ આંકડાઓ ખૂબ જ ચિંતાજનક અને ભયાનક છે. આ 114 દર્દીઓમાંથી 54 દર્દીઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 60 દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. આ આંકડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ કાર્ડિયાક સર્જરી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં 723 હૃદયના દર્દીઓ હોસ્પિટલના ઈમરજન્સી અને આઉટપેશન્ટ વિભાગમાં આવ્યા છે. કડકડતી ઠંડીથી પીડાતા 16 દર્દીઓના હૃદયરોગના હુમલાથી મોત થયા હતા, જ્યારે હૃદયરોગ સંસ્થામાં સારવાર દરમિયાન છ લોકોના મોત થયા હતા. 10 લોકોને મૃત હાલતમાં સંસ્થામાં લાવવામાં આવ્યા હતા. શહેરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે. હૃદયરોગ સંસ્થામાં કુલ 604 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 54 નવા અને 27 જૂના દર્દીઓનો સમાવેશ થાય છે. કાર્ડિયોલોજીના ડાયરેક્ટર વિનય ક્રિષ્નાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં દર્દીઓને શરદીથી બચાવવું જોઈએ. ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. હાર્ડ થીજવતી ઠંડીને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે.