કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે લખનૌમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સિબ્બલને રાજ્યસભામાં મોંકલવાનો નિર્ણય સમાજવાદી પાર્ટીએ લીધો હોવાનું જાણવા મળે છે.
કપિલ સિબ્બલે કહ્યું કે 16 મેના રોજ મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એક થાય અને મજબૂત વિપક્ષ બનીને મોદી સરકારનો વિરોધ કરી શકે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, સપા વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. પ્રથમ ઉમેદવારી સપા તરફથી કરવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે. રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજયસભાના અનેક સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના નેતાઓને રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.