જૂના અમદાવાદમાં કપિરાજનો ખોફઃ 18 લોકોને ભર્યા બચકા
અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં કપિરાજો પણ તરખાટ મચાવી રહ્યા છે. જેમાં રિલીફ રોડ, ખાડિયા અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓ છેલ્લા 10 દિવસથી હુમલાખોર વાનરના ત્રાસથી હેરાન થઈ ગયા છે. દરરોજ એક વ્યક્તિ આ વાનરના હુમલાનો શિકાર બની રહ્યો છે. વન વિભાગની ટીમને આ મામલે જાણ કરવામાં આવી છે. પરંતુ વન વિભાગની ટીમ આ વાનરને પકડવામાં નિષ્ફળ રહી છે. આજે સવારે પણ એક દુકાનદાર પર હુમલો કરી વાનર નાસી ગયો હતો.
શહેરના ખાડિયા વોર્ડમાં ઘી કાંટા ચાર રસ્તા, રૂપમ સિનેમા, અશોક સિનેમા, બ્રહ્મચારીની વાડી, રિલીફ રોડની આસપાસમાં એક વાનરે આંતક મચાવ્યો છે. છેલ્લા 10 દિવસથી એક મોટો વાનર વિસ્તારમાં 10થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરી ચૂક્યો છે. જેના કારણે ખાડિયા, રિલીફ રોડ અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાયો છે.
વન વિભાગની ટીમ આવે છે પરંતુ હુમલાખોર વાનરને ટ્રેક કરવામાં નિષ્ફળ રહી છે. જેથી લોકોમાં પણ વનવિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. ખાડિયા, રૂપમ સિનેમા, અશોક સિનેમા, મહાકાળીની વાડી, નાગોરી શાળા, ઘી કાંટા સહિતના ખાડિયા વિસ્તારમાં વાનરે લોકોને બચકાં ભર્યા છે. વાનરે આજે સવારે એક દુકાનદાર પર હુમલો કર્યો હતો. વાનરને ઓળખવા તેના પર અત્યારે લોકોએ કલર નાખી દીધો છે.
ચાર પાંચ દિવસ પહેલા એક સફાઈ કામદારને પણ વાનરે પાછળથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. 18થી વધુ લોકો અત્યાર સુધીમાં વાનરના હુમલાનો ભોગ બની ચૂક્યા છે. જેથી વાનરને ઝડપથી નહીં પકડવામાં આવે તો વધુ લોકો વાનરના હુમલાનો ભોગ બની શકે છે.
(PHOTO- FILE)