કારગિલ વિજય દિવસઃ LOC ઉપર પાકિસ્તાની ઘુસણખોરોને ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપીને ભગાડ્યાં હતા
નવી દિલ્હીઃ દેશમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર દેશ માટે બલિદાન આપનાર ભારતીય સપૂતોની બહાદુરીને યાદ કરવામાં આવે છે. 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે લડાયેલા યુદ્ધમાં જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને કબજો જમાવ્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના બહાદુર સૈનિકોએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. 60 દિવસથી વધુ ચાલેલી આ લડાઈને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું.
શિયાળાની ઋતુમાં ભારતીય સૈનિકો ઊંચા શિખરો પર પોતાની ચોકી છોડીને નીચેના વિસ્તારોમાં આવતા હતા. પાકિસ્તાન અને ભારતીય સેના બંને આ પ્રક્રિયાને અનુસરતા હતા. પરંતુ પાકિસ્તાની સૈનિકોએ ગુપ્ત રીતે ઘૂસણખોરી કરીને મુખ્ય શિખરો પર કબજો જમાવી લીધો હતો. ભારતીય સેનાને આ ઘૂસણખોરીની માહિતી પશુપાલકો પાસેથી મળી હતી.
પશુપાલકોએ ત્યાં પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરોને જોયા હતા. જે બાદ ભારતીય સેનાએ ઘૂસણખોરો પાસેથી તેની જમીન ખાલી કરાવવા માટે ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું હતું. લગભગ 60 દિવસથી વધુ ચાલેલા આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા હતા. ભારતીય જવાનોએ ચાર હજારથી વધારે પાકિસ્તાની જવાનોને ઠાર માર્યાં હતા.
આ યુદ્ધ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999માં મેથી જુલાઈ દરમિયાન થયું હતું. પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે તત્કાલિન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વગર કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. ઓક્ટોબર 1998માં તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કારગીલમાં ઘુસણખોરીના પ્લાનને મંજૂરી આપી હતી. જેથી કારગીલની ઊંચી ટેકરીઓ ઉપર પાકિસ્તાની સૈનિકોએ કબજે કરી લીધી હતી.
અંકુશ રેખા મારફતે ઘૂસણખોરીનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભારતીય નિયંત્રણ રેખા એટલે કે એલઓસી ઉપરથી પાકિસ્તાની સૈનિકોને હટાવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ યુદ્ધમાં મોટી માત્રામાં રોકેટ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ બે લાખ પચાસ હજાર શેલ, બોમ્બ અને રોકેટથી હુમલો કરાયો હતો. દરરોજ પાંચ હજાર તોપમાંથી ગોળા, મોર્ટાર બોમ્બ અને રોકેટ છોડવામાં આવતા હતા. જે દિવસે ટાઈગર હિલ ઉપર ભારતીય સેનાએ ફરીથી કબજો જમાવ્યો તે દિવસે 9 હજાર શેલ છોડવામાં આવ્યા હતા.
કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આ એકમાત્ર યુદ્ધ હતું જેમાં દુશ્મન સેના પર આટલી મોટી સંખ્યામાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. અંતે, ભારતે વિજય મેળવ્યો હતો. ભારતીય સૈનિકોએ સતત 60 દિવસ સુધી પાકિસ્તાનના જવાનો સાથે યુદ્ધ કરીને તેમને ખદેડ્યાં હતા. ભારતીય સેનાની કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાન ઘુસણખોરોએ ભારતીય ચોકીઓ છોડીને ભાગ્યાં હતા. આમ ભારતીય સેનાએ એક પછી એક ફરીથી ભારતીય ચોકી ઉપર કબજો કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, કારગિલ વિજય દિવસ એ આપણા સશસ્ત્ર દળોની અસાધારણ બહાદુરી, પરાક્રમ અને સંકલ્પનું પ્રતીક છે. હું એ તમામ બહાદુર સૈનિકોને નમન કરું છું જેમણે ભારત માતાની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. તમામ દેશવાસીઓ તેમના અને તેમના પરિવારના સભ્યોના હંમેશા ઋણી રહેશે. જય હિન્દ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, કારગિલ વિજય દિવસ માતા ભારતીના ગૌરવ અને ગૌરવનું પ્રતિક છે. આ અવસર પર હું દેશના તમામ હિંમતવાન સપૂતોને સલામ કરું છું જેમણે માતૃભૂમિની રક્ષામાં પોતાનું પરાક્રમ સિદ્ધ કર્યું છે. જય હિન્દ!
કારગીલ વિજય દિવસ નિમિત્તે આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ પાંડે, નૌકાદળના વડા એડમિરલ આર હરી કુમાર અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ભારતીય બહાદુરીને બિરદાવીને દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે 1999ના કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.