બેંગલુરુ: જનતાદળ સેક્યુલરના વરિષ્ઠ નેતા એચ. ડી. દેવેગૌડાએ શુક્રવારે કર્ણાટકની કૉંગ્રેસ સરકારને નિશાને લીધી હતી. તેમણે પાંચેય રાજ્યોમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની મદદ માટે રાજ્યના જાહેર નાણાંનો ખર્ચ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
દેવેગૌડાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે તે કર્ણાટકમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી લડવા માટે ધનના પ્રવાહને રોકી શક્યા નથી. દેવેગૌડાના પુત્ર અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેના પછી જેડીએસ ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં સામેલ થઈ ગઈ હતી. બંને પાર્ટીઓએ કહ્યું છે કે તે કર્ણાટકમાં આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે.
ગત વર્ષ મેમાં 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં જેડીએસનું પ્રદર્શન ખરાબ રહ્યું અને તેને માત્ર 19 બેઠકો મળી હતી. કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ડી. કે. શિવકુમારનો ઉલ્લેખ કરીને દેવેગૌડાએ કહ્યુ કે હવે આ બધાંની સામે છે કે તે ક્યાં ગયા અને કેટલા નાણાં લઈ ગયા.
એક પારદર્શક સરકાર આપવાના સિદ્ધારમૈયાના નિવેદનને નિશાને લેતા દેવેગૌડાએ કહ્યુ છે કે તે બેંગલુરુમાં થઈ રહેલા ગેરકાયદેસર કાર્યોને કેમ રોકી શકતા નથી. જેડીએસના સંરક્ષક દેવેગૌડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કર્યો કે પાંચ રાજ્યોની ચૂંટણીઓ દરમિયાન અહીંથી કેટલા નાણાં લઈ ગયા હતા ? આ કોના નાણાં હતા? આ કર્ણાટકની જનતાના નાણાં હતા.
દેવેગૌડાએ ક્હ્યુ છે કે બેંગલુરુની તમામ એજન્સીઓ (જેવી કે બૃહત બેંગલુરુ મહાનગરપાલિકા અને બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટી) અને સિંચાઈ વિભાગ તેમના હાથમાં છે. અહીં જે થઈ રહ્યું છે, તેને જોઈને મને શરમ આવે છે. તેમણે જાણવાની મનસા વ્યક્ત કરી કે સિદ્ધારમૈયા આને (ભ્રષ્ટાચાર) કેમ રોકી શકતા નથી.