કર્ણાટકઃ ‘નો વેક્સિન નો રાશન-પેન્શન’, ચામરાજનગર જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી વિવાદ
મુંબઈઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં રસીકરણ અને રાશન-પેન્શનને લઈને કરવામાં આવેલા નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોના વાયરસની મહામારી સામે રસી નહીં લીધી હોય તેમને પેન્શન અને રાશનની સુવિધાઓનો લાભ આપવામાં નહીં આવે. જો કે, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણય અજાણ હોવાનું જણાવ્યું હતું.
ચામરાજનગર જિલ્લાના ઉપઆયુક્ત એમઆર રવિએ તાજેતરમાં જ કહ્યું હતું કે, બીપીએલ અને પેન્શન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ લેવા માટે રસી લેવી ફરજિયાત છે. આ આદેશ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી કે. સુધાકરે જણાવ્યું હતુ કે, નો વેક્સિન નો પેન્શન બાબતે હું કંઈ જાણતો નથી. પરંતુ રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. આ અંગે ઉપ આયુક્ત સાથે વાત કરીશ. રાશન અને પેન્શન અટકાવવાના બદલે તેમને રસીકરણ અંગે જાગૃત કરવા જોઈએ. દરમિયાન કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમજ કહ્યું છે કે, એક તરફ ખાદ્ય સુરક્ષા કાનૂનની વાત થાય છે અને બીજી તરફ ગરીબોને રાશન-પેન્શનથી વંચિત કરવામાં આવી રહ્યાં છે. જે સંપૂર્ણ રીતે ખોટું છે.