કર્ણાટકઃ કોંગ્રેસ સરકારના શપથ પહેલા જ પ્રજાએ વીજ બિલ ભરવાનો કર્યો ઈન્કાર, જાણો કેમ…
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું અને કોંગ્રેસનો ભવ્ય વિજ્ય થયો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં સીએમ પદને લઈને મામલો ગુંચવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના સિનિયર નેતાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને અંતે સીએમ પદે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારની પસંદગી કરવામાં આવી છે. હજુ સુધી સીએમ અને ડે.સીએમએ શપથ ગ્રહણ કર્યા નથી, ત્યારે ફરીથી એકવાર કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 200 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી, હવે કર્ણાટકના અનેક લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઈન્કાર કર્યો છે. તેમજ કોંગ્રેસે આપેલુ વચન તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ. તેવી માંગણી કરી હતી.
રિપોર્ટ અનુસાર, કર્ણાટકના કોપ્પલ, કલબુર્ગી અને ચિત્રદુર્ગા જિલ્લાના કેટલાક ગામની પ્રજાએ વીજ બિલ ભરવાનો ઈન્કાર કર્યો છે. વિજળી વિભાગના કર્ચારીઓ વીજળીનું બિલ લઈને પહોંચ્યાં ત્યારે જનતાએ વીજ બિલ ભરવાનો ઈન્કાર કર્યો હતો.
સ્થાનિકોએ કહ્યું હતું કે, કોંગ્રેસે મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું જેથી અમે કોંગ્રેસને મત આપ્યો અને કોંગ્રેસની જીત થઈ છે. જેથી અમે મફતમાં વિજળી મેળવવાના હકદાર છીએ. લોકોએ વીજળી વિભાગના કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, વીજળીના બિલને લઈને હવે તેઓ ના આવે, કારણે વીજળીનું બિલ ભરવામાં આવશે નહીં. હવે કંઈ પણ થાય અમે વીજળીનું બિલ ભરવાના નથી.
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાંચ ગેરન્ટી યોજનાની જાહેરાત કરી હતી. ચૂંટણીના પરિણામો ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાંચ ગેરન્ટી યોજનાની જાહેરાતનો કોંગ્રેસને ફાયદો થયો છે. હવે આ પાંચ ગેરન્ટી યોજના લાગુ કરવામાં કોંગ્રેસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અગાઉ કર્ણાટકમાં વીજળી સપ્લાય કરતી કંપનીએ વીજળીના દરમાં વધારાની માંગણી કરી હતી. બીજી તરફ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે મફત વીજળીની જાહેરાત કરી છે.