બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું.
મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારનો ક્યારેય મંદિરોમાં વિકાસના કામને રોકવાનો ઈરાદો નથી અને માત્ર ચાલી રહેલા વિકાસ કાર્યોનો રિપોર્ટ માંગ્યો હતો. ગત બીજેપી સરકાર હેઠળ દરેક મંદિર માટે મંજૂર કરાયેલી રકમ, અત્યાર સુધી જાહેર કરાયેલા નાણાં અને પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે મુઝરાઈ વિભાગ પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં વિગતવાર અહેવાલ માંગ્યો હતો. મુઝરાઈ વિભાગે 14 ઓગસ્ટે એક આદેશ જારી કરીને વિભાગના તમામ ડેપ્યુટી કમિશનરો અને જિલ્લા અધિકારીઓને સરકારના દાયરામાં આવતા મંદિરોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને રોકવા માટે કહ્યું હતું. વિવાદ વધ્યા બાદ રામલિંગા રેડ્ડીએ કહ્યું કે આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે અમે માત્ર રિનોવેશનના કામ માટે ફાળવવામાં આવેલા નાણાંની સ્થિતિ જોઈ રહ્યા છીએ અને મંદિર પરિસરમાં ચાલી રહેલા કામને રોકવાનો અમારો કોઈ ઈરાદો નથી. આ બાબતે મુઝરાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ પર મંત્રીના રિપોર્ટના નિર્દેશોની ગેરસમજને કારણે મંદિરોમાં તમામ વિકાસ કામો બંધ થઈ ગયા છે. પૂર્વ મંત્રી શશિકલા જોલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે તેમના સમયમાં મંદિરોના વિકાસના કામો માટે ફંડનો પહેલો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ વિધાનસભા પહેલા અમલી આચારસંહિતા લાગુ થવાને કારણે બીજો હપ્તો ચુકવી શકાયો ન હતો.